દિલ્હીઃ નિઝામુદ્દીન મરકજમાં કોરોનાથી 9 મોત

નવી દિલ્હીઃ દિલ્હીના હજરત નિઝામુદ્દીન સ્થિત મરકજમાં ધાર્મિક કાર્યક્રમમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, સાઉદી અરેબિયા અને કિર્ગિસ્તાન સહિત  કુલ 15 દેશોમાંથી 2000થી વધુ પ્રતિનિધિઓએ 1-15 માર્ચ સુધી તબલિગી-એ-જમાતમાં હિસ્સો લીધો હતો. કોરોના વાઇરસને પગલે આ મરકજ (ધર્મનો પ્રચાર કરવા આવતા લોકોના રોકાવાનું સ્થળ)થી અત્યાર સુધી કુલ 860 લોકોને કાઢીને વિવિધ હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા છે. જોકે હજી પણ 300થી વધુ લોકોમાં કોવિડ-19નાં લક્ષણો જોવા મળ્યા પછી તેમને ટેસ્ટ માટે હોસ્પિટલોમાં લઈ જવાયા છે. 1-14 માર્ચના સમયગાળા પછી પણ 1,400 લોકો અહીં રોકાયા હતા. ગઈ કાલે નિઝામુદ્દીન સ્થિત મરકજમાં સામેલ થનારા નવ લોકોનાં મોત થઈ ગયાં છે. આ ઉપરાંત અત્યાર સુધી 24 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે.  જેથી તબલિગી જમાતના દિલ્હીના મરકજ નિઝામુદ્દીનને સીલ કરી દેવામાં આવી છે. ત્યાં રહેતા 800 લોકોને બસોમાં લઈ જઈને શહેરના અલગ-અલગ હિસ્સામાં  તેમને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

બીજી બાજુ આંદામાનમાં 10 લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ 10 લોકકોમાંથી નવ લોકોએ દિલ્હીના મરકજમાં સામેલ થયા હતા. 10મી સંક્રમિત મહિલા પણ આ લોકોમાંથી એકની પત્ની છે, જે આ મરકજમાં સામેલ થઈ હતી.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ લાપરવાહી દાખવનાર મરકજ વ્યવસ્થાપનને હજ્જારો જીવ જોખમમાં મૂકવા બદલ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે અત્યાર સુધીમાં અહીં રોકાયેલાઓમાંથી 24 લોકોના કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યા છે. આ લોકોએ ગંભીર અપરાધ કર્યો છે.

અનેક જણના જીવ જોખમમાં

તેલંગાણાના જિલ્લાધિકારીઓના નેતૃત્વમાં વિશેષ ટીમોએ આ છ મૃતકોના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરી રહ્યા છે અને તેમને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આ લોકોએ કોરોના માટેની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કર્યું છે, જેને કારણે અનેક જણના જીવ જોખમમાં આવી ગયા છે.

આ એક ગંભીર અપરાધ

વ્યવસ્થાપકો દ્વારા આ કૃત્ય એક ગંભીર અપરાધ છે, તેમણે આ શરતોનું ઉલ્લંઘન કર્યું છે. તેમના વડા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. લોકકડાઉન દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સિંગ દરેક નાગરિકની જવાબદારી હતી અને આ એક ગંભીર અપરાધ છે.

કોરોના વાઇરસનો અનેક દેશોમાં ફેલાવો

ભારત સહિત વિશ્વના 200 દેશોમાં કોરોના વાઇરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. આ વાઇરસથી અત્યાર સુધી 33,000થી વધુ લોકોના જીવ લઈ ચૂક્યો છે. વિશ્વભરમાં આશરે કોરોના વાઇરસથી સાત લાખ લોકો ચેપગ્રસ્ત છે. દેશમાં આ વાઇરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1,251 થઈ ગઈ છે અને છેલ્લા 24 કલાકમાં  આના 227 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી 32 લોકોનાં મોત થયાં છે. જોકે 102 દર્દીઓ સાજા પણ થયા છે.

આ કાર્યક્રમમાં  ભાગ લેવા માટે મલેશિયા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, નેપાળ, મ્યાનમાર, કિર્ગિસ્તાન અને સાઉદી અરિબિયાથી તબલિગી સભ્યો આ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં અફઘાનિસ્તાન, અલ્જિરિયા, જિબુતિ, શ્રીલંકા, બંગલાદેસ ફ્રાંસ અને કુવૈતથી પણ સભ્યો આવ્યા હતા. આ ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી પણ લોકો આ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]