ઉન્નાવમાં બળાત્કારીઓએ સળગાવી દીધેલી મહિલાનું દિલ્હીની હોસ્પિટલમાં નિધન

નવી દિલ્હી – ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બળાત્કારીઓએ જેને પેટ્રોલ રેડીને સળગાવી દીધી હતી તે 23 વર્ષની યુવતીનું ગઈ કાલે રાતે અહીંની સફદરજંગ હોસ્પિટલમાં રાતે 11.40 વાગ્યે નિધન થયું હતું.

હોસ્પિટલના ડોક્ટર શલભ કુમારે કહ્યું કે અમારા બનતા શ્રેષ્ઠ પ્રયાસો છતાં એ બચી શકી નહીં. ગઈ કાલે સાંજે એની હાલત વધારે બગડી હતી. રાતે 11.10 વાગ્યે એનું હૃદય બંધ પડી ગયું હતું. અમે એને સજીવન કરવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ લગભગ 11.40 વાગ્યે એનું નિધન થયું હતું.

એ મહિલાને સળગાવી દેવાયા બાદ એ 90 ટકા જેટલી દાઝી ગઈ હતી. એને ગુરુવારે રાતે લખનઉથી એરલિફ્ટ કરીને દિલ્હી લાવવામાં આવી હતી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એ વેન્ટીલેટર પર હતી.

ગયા વર્ષે આ મહિલા પર ઉન્નાવમાં બે ભાઈએ બળાત્કાર કર્યો હતો. એણે માર્ચ મહિનામાં ફરિયાદ નોંધાવી હતી. એક ભાઈ ફરાર છે જ્યારે શિવમ નામનો બીજો ભાઈ હજી ગયા અઠવાડિયે જ જામીન પર છૂટ્યો હતો. મહિલા તેણે કરેલા કોર્ટ કેસની સુનાવણી માટે ગયા ગુરુવારે ઉન્નાવની એક કોર્ટમાં જતી હતી ત્યારે પાંચ પુરુષોએ એની પર હુમલો કર્યો હતો, એમાંના બે જણ એની પર બળાત્કાર ગુજારનાર આરોપીઓ હતા. એ પાંચેય જણે મહિલા પર પેટ્રોલ રેડીને એને જીવતી સળગાવી દીધી હતી. અમુક કલાકોમાં જ પાંચેય પુરુષની ધરપકડ કરવામાં આવી હતી.

ગઈ કાલે મહિલાનાં કાકાએ એવો આક્ષેપ કર્યો હતો કે આરોપી શિવમના એક સગાએ એમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

મૃતક-પીડિત મહિલાની બહેને કહ્યું છે, મારી બહેનનું ખૂબ જ કષ્ટદાયક મૃત્યુ થયું છે. ગુનેગારોને ફાંસી થવી જોઈએ.