21-દિવસના લોકડાઉનના અંત બાદ તબક્કાવાર છૂટછાટો અપાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એવા પગલાં લઈ રહ્યું છે જેથી 14 એપ્રિલે 21-દિવસનું દેશવ્યાપી લોકડાઉન સમાપ્ત થાય એ પછી કોરોના વાઈરસ વધારે ફેલાય નહીં. લોકડાઉનનો આરંભ 25 માર્ચથી કરવામાં આવ્યો છે.

જે જિલ્લાઓમાં કોરોના વાઈરસના એકેય કેસ નોંધાયા નથી એવા જિલ્લાઓમાં લોકડાઉન પહેલાં હટાવી લેવામાં આવશે.

લોકડાઉન પૂરું થાય એ પછી દેશભરમાં કોરોના વાઈરસના ફેલાવા માટે જોખમી એવા હોટસ્પોટ અને ગીચ વસ્તીવાળા સ્થળો પર ફોકસ કરવામાં આવશે.

સરકાર આ માટે 2009ના H1NI રોગચાળાના ફેલાવામાંથી દિશાસૂચનો મેળવશે. એ રોગચાળા વખતે નાના નગરો અને ઓછી વસ્તીવાળા ગામડાઓની સરખામણીમાં શહેરોમાં ગીચ વસ્તીવાળા ભાગોમાં વધારે અસર જોવા મળી હતી.

એવો નિર્ણય લેવાયો છે કે દેશમાં જુદા જુદા ભાગો માટે જુદું જુદું વલણ અપનાવવામાં આવશે. કોરોનાનાં ફેલાવા માટે અત્યંત જોખમી લાગશે એવા વિસ્તારોમાં લોકડાઉન ઓચિંતું હટાવી દેવામાં નહીં આવે.

કેન્દ્રીય મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે કોરોના રોગચાળો ભારતમાં હાલ અંકુશે હેઠળ જરૂર છે, પરંતુ લોકડાઉન હટાવી દેવાયા બાદ પણ તે અંકુશમાં જ રહે એટલા માટે યોગ્ય પગલાંયોજના અમલમાં મૂકવામાં આવશે.

સરકાર હોટસ્પોટ્સને ક્વોરન્ટાઈન અને બફર ઝોનમાં વિભાજીત કરી દેવા વિચારે છે. ક્વોરન્ટાઈન ઝોનમાં એવા વિસ્તારોને સામેલ કરાશે જ્યાં કોરોનાનાં ચેપગ્રસ્ત કેસોની સંખ્યા મોટી છે. આવા વિસ્તારોની આસપાસના ચોક્કસ બ્લોક્સ કે જિલ્લાઓને બફર ઝોનમાં મૂકવામાં આવશે. કેસોનો અભ્યાસ કર્યા બાદ બફર ઝોન અંગે નિર્ણય લેવાશે.

આવા ઝોનમાંથી લોકો બહાર જઈ શકશે નહીં. તમામ વાહનો તથા જાહેર પરિવહન સાધનોની અવરજવરને પણ બંધ રખાશે. માત્ર જેમની પાસે સ્પેશિયલ પાસ હશે એ લોકોને જ આવા વિસ્તારોની અંદર જવા દેવામાં આવશે. આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાયને માઠી અસર ન પડે એટલા માટે આ નિર્ણય લેવાશે. આ ઝોનમાં શાળાઓ અને કોલેજો હજી પણ બંધ જ રહેશે તેમ જ સભા, બેઠક યોજવા કે ધાર્મિક કાર્યક્રમો માટે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ રહેશે.

વિમાન સેવાને પણ કદાચ તબક્કાવાર શરૂ કરાશે

21-દિવસનું દેશવ્યાપી લોકડાઉન 14 એપ્રિલે સમાપ્ત થાય એ પછી દેશમાં ડોમેસ્ટિક તથા આંતરરાષ્ટ્રીય વિમાન સેવા તબક્કાવાર શરૂ કરવામાં આવે એવી પણ ધારણા છે.

કોરોના વાઈરસો રોગચાળો ફેલાતાં મુલ્કી ઉડ્ડયન ક્ષેત્રને સૌથી ખરાબ અસર પહોંચી છે.

એર ડેક્કન એરલાઈને જાહેરાત કરી છે કે તે પોતાની વિમાન સેવા અચોક્કસ મુદત સુધી સસ્પેન્ડ રાખશે. એણે તેના તમામ કર્મચારીઓને પગાર વગર રજા પર ઉતરી જવાનું કહી દીધું છે.

મુલ્કી ઉડ્ડયન મંત્રાલયના એક અધિકારીએ કહ્યું છે કે, તમામ એરલાઈન્સને 14 એપ્રિલ પછીની કોઈ પણ તારીખ માટે બુકિંગ કરવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ જો લોકડાઉનને 14 એપ્રિલ પછી લંબાવવામાં આવશે તો એરલાઈન્સે બુક કરેલી ટિકિટો રદ કરવી પડશે.