અનલોક 5: દિવાળી, દશેરા પહેલાં શુ-શું ખૂલશે, જાણો…

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ સંક્રમણને કારણે દેશમાં કરવામાં આવેલા લોકડાઉન પછી ગૃહ મંત્રાલય દ્વારા અનલોક કરવાની પ્રક્રિયાના પાંચમા તબક્કાની ગાઇડલાઇન જારી કરવામાં આવી છે. મંત્રાલયે આ દિશા-નિર્દેશોમાં ઘણી છૂટછાટ આપી છે. અનલોક પાંચમાં સિનેમા હોલ, થિયેટર, મલ્ટિ-પ્લેક્સ અને સ્કૂલ-કોલેજને ખોલવાની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. જોકે કન્ટેનમેન્ટ ઝોન્સમાં 31 ઓક્ટોબર સુધી સખતાઈ ચાલુ રાખવાના નિર્દેશ છે અને નિયમોનું ઉલ્લંઘન કરવાવાળાઓ માટે સજાની જોગવાઈ હજી પણ ચાલુ રહેશે.

સ્કૂલ-કોલેજ

દેશભરમાં સ્કૂલ-કોલેજ 15 ઓક્ટોબરથી ખોલવામાં આવશે. જોકે આ મુદ્દે અંતિમ નિર્ણય રાજ્યો અને એનાથી જોડાયેલી સંસ્થાઓ પર છોડવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર મુજબ 10 વર્ષની ઓછી વયનાં બાળકો જોખમવાળા સમૂહમાં છે, એટલે તેમના માટે સ્કૂલ ખોલવાનો નિર્ણય સ્કૂલોથી વિચારવિમર્શ કર્યા પછી લેવામાં આવશે. સગીર વિદ્યાર્થીઓના સ્કૂલ જવાનો નિર્ણય તેમનાં માતાપિતાની સંમતિથી લેવામાં આવશે. હાલના સમયમાં હાજરી ફરજિયાત નહીં હોય. ગૃહ મંત્રાલયનું કહેવું છે કે ઓનલાઇન અને સામાજિક અંતરને પ્રાથમિકતા અને પ્રોત્સાહન આપવામાં આવશે.

સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ અને એન્ટરટેઇનમેન્ટ પાર્ક

સરકારે નવી ગાઇડલાઇન્સ હેઠળ સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ, એક્ઝિબિઝશન અને એન્ટરટેઇનમેન્ટ પાર્ક ખોલવાની મંજૂરી આપી છે. જોકે સિનેમા, થિયેટર અને મલ્ટિ-પ્લેક્સમાં 50 ટકાથી વધુ સીટો નહીં ભરી શકાય. વળી, આ છૂટ કન્ટેનમેન્ટ ઝોનવાળા વિસ્તારોમાં નહીં મળે.

બધાં જાહેર સ્થળો, ઓફિસો અને પબ્લિક વાહનોમાં પ્રવાસ દરમ્યાન માસ્ક પહેરવો ફરજિયાત છે. આ જગ્યાઓએ સામાજિક અંતર જાળવવું ફરજિયાત છે.

આરોગ્ય સેતુ એપનો ઉપયોગ

ઓફિસોમાં કર્મચારીઓને આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરાવવા અને એનો ઉપયોગ કરાવવાનો દરેક પ્રયાસ કરવાનો રહેશે. જાહેર સ્થળોએ થૂંકવા પર નક્કી કરવામાં આવેલા નિયમો મુજબ દંડ લગાવવામાં આવશે.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે નિર્દેશ

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો પોતાની સુવિધા મુજબ ગૃહ મંત્રાલયના નિર્દેશોમાં છૂટછાટ નહીં આપી શકે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કેન્દ્રની મંજૂરી વગર લોકડાઉન પણ નહીં લગાવી શકે.

કેટલાક અન્ય નિર્દેશો

  • રાજ્યો કેટલીક શરતો સાથે 100થી વધુ લોકોને એકઠા થવાની મંજૂરી આપી શકશે.
  • આંતરરાજ્ય આવ-જા પર કોઈ પ્રતિબંધ નહીં.
  • પેસેન્જર ટ્રેનો, સ્થાનિક ફ્લાઇટો અને વંદે ભારત મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પહેલાંની જેમ ચાલુ રહેશે.
  • શક્ય હોય ત્યાં સુધી લોકોને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવે.
  • બીમાર, સિનિયર સિટિઝન મહિલાઓ અને 10 વર્ષની નાનાં બાળકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
  • ખેલાડીઓ માટે સ્વિમિંગ પૂલ ખોલવામાં આવે. આ વિશે સ્પોર્ટસ મંત્રાલય દિશા-નિર્દેશો જારી કરશે.