હૈદરાબાદ- તેલંગણામાં ચૂંટણીનો ગરમાઈ રહેલો માહોલ જોઈને તમામ રાજકીય પક્ષો લોકપ્રિય ચહેરાઓને પોતાના તરફ આકર્ષવા પ્રયાસ કરી રહ્યાં છે. આ ઘટનાક્રમમાં મક્કા મસ્જિદ વિસ્ફોટના કેસમાં ચુકાદો આપ્યા બાદ થોડા કલાકોમાં રાજીનામું આપનારા પૂર્વ જજ કે. રવિન્દર રેડ્ડીએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે ભાજપને ‘દેશભક્ત પાર્ટી’ ગણાવી અને કહ્યું કે, બીજેપી એક એવી પાર્ટી છે જેમાં કોઈ પરિવારનું શાસન નથી. જોકે, પૂર્વ જજ કે. રવિન્દર રેડ્ડીના ભાજપમાં જાવા અંગે પાર્ટી હજી સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.બીજી તરફ તેલંગાણા બીજેપીના અધ્યક્ષ લક્ષ્મણે જણાવ્યું છેકે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની તાજેતરની હૈદરાબાદ મુલાકાત દરમિયાન કે. રવિન્દ્ર રેડ્ડીએ તેમની સાથે મુલાકાત કરી હતી. પરંતુ પક્ષે હજી તેમને લઈને કોઈ નિર્ણય લીધો નથી. કે પક્ષમાં તેમને સભ્યપદ આપવામાં આવે અથવા નહીં. હાલમાં કે. રવિન્દ્ર રેડ્ડીને અમિત શાહની ઓફિસમાંથી આવતા આગામી સંદેશની રાહ જોવાની કહેવામાં આવી છે.
પત્રકારો સાથેની વાતચીતમાં પૂર્વ જજ કે. રવિન્દ્ર રેડ્ડીએ કહ્યું કે, તેમના બીજેપીમાં જોડાવાના કાર્યક્રમને હાલમાં સ્થગિત કરવમાં આવ્યો છે. અને આ અંગે કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી. વધુમાં તેમણે કહ્યું કે, પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને સિકંદરાબાદના સાંસદ બંડારુ દત્તાત્રેયે તેમનું સમ્માન કર્યું અને પાર્ટીમાં જોડાવા તેમને આમંત્રણ આપ્યું હતું.