VHPનો રામ મંદિર રાગ: સંતોની બોલાવી બેઠક, મોટી જાહેરાતની શક્યતા

નવી દિલ્હી- 2019ની લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ રામ મંદિરના નિર્માણનો મુદ્દો ફરીવાર ચર્ચાના કેન્દ્ર સ્થાને આવી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) સરસંઘચાલક મોહન ભાગવતે હાલમાં જ ભવ્ય રામ મંદિર જલદી નિર્માણ પામે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ હવે વિશ્વ હિંદુ પરિષદે (VHP) પણ આ દિશામાં એક મોટી પહેલ કરવાનું આહ્વાન કર્યું છે.વિશ્વ હિંદુ પરિષદે રામ મંદિર મુદ્દે ચર્ચા કરવા સંતોની બેઠક બોલાવી છે. રામ જન્મભૂમિ ટ્રસ્ટના સંત ઉચ્ચાધિકાર સમિતિની આ બેઠક આગામી ઓક્ટોબર મહિનામાં પાંચ તારીખે નવી દિલ્હી ખાતે બોલાવવામાં આવી છે. જેમાં 30થી 35 મોટા દરજ્જાના સંતો હાજરી આપશે. સંતોની આ બેઠકમાં રામ મંદિર નિર્માણ આંદોલનને કેવી રીતે આગળ લઈ જઈ શકાય તે અંગે મંથન કરવામાં આવશે.

સંતોની આ બેઠકમાં રામ મંદિર નિર્માણને લઈને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. જેમાં સંત સમુદાય રામ મંદિર નિર્માણ માટે કર સેવાનું એલાન પણ કરી શકે છે. બેઠકમાં હાજરી આપવા મહંત નૃત્યગોપાલ દાસ મહારાજ, સાધ્વી ઋતમ્ભરા સહિત 36 પ્રમુખ સંતોને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ બેઠક દિલ્હીના વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યાલય ખાતે યોજાશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ RSSના કાર્યક્રમ ‘ભવિષ્યનું ભારત: સંઘનો દ્રષ્ટિકોણ’માં RSSના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, રામ મંદિર નિર્માણને લઈને જો કાયદો લાવવાનો અધિકાર સરકારના હાથમાં છે તો આંદોલનનો અધિકાર રામ જન્મભૂમી ટ્રસ્ટ ઉચ્ચાધિકાર સમિતિ પાસે છે. હવે એ સરકાર અને ટ્રસ્ટે નક્કી કરવાનું છે કે, મંદિર નિર્માણ કેવી રીતે કરવામાં આવે.