મુંબઈ: મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેમના નિવાસ સ્થાન ‘માતોશ્રી’ ખાતેથી જ પ્રદેશની સત્તાનું સંચાલન કરશે. ઠાકરે પરિવારનું પાંચ દાયકાથી પણ જૂનુ ઘર મહારાષ્ટ્રની સત્તાનું કેન્દ્ર રહેશે. ઉદ્ધવ તેમના પરિવાર અને સામાન સાથે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસ સ્થાન માલાબાર હિલ્સ સ્થિત ‘વર્ષા’ ખાતે શિફ્ટ નહીં થાય. જોકે, તે મહત્વની બેઠકો માટે ત્યાં જશે.
60ના દાયકામાં શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરે તેમના પરિવાર સાથે બાન્દ્રા ઈસ્ટના કાલાનગર સ્થિત એક પ્લોટમાં શિફ્ટ થયા હતા. શિવસેનાનો જન્મ 1966માં ઠાકરેના દાદર સ્થિત ઘર પર થયો હતો, પણ ત્યારબાદ બાન્દ્રા સ્થિત આ પ્લોટ આવનારા વર્ષોમાં તાકતનું કેન્દ્ર સાબિત થયો.
મહત્વનું છે કે, 60ના દાયકામાં કોંગ્રેસના મુખ્યમંત્રી વીપી નાઈકે તેમના કાર્યકાળ દરમ્યાન મીઠી નદીના કિનારે બાન્દ્રા ઈસ્ટમાં કલાકારો અને લેખકોની એક કોલોની વસાવી હતી. બાલ ઠાકરેને ફણ આ કોલોનીમાં માર્મિક વીકલીના સંપાદક તરીકે એક પ્લોટ મળ્યો હતો. ત્યારબાદ આ પ્લોટ પર તૈયાર થયેલા બંગલાને બાલ ઠાકરેએ માતોશ્રી નામ આપ્યું. શરુઆતમાં આ બંગલો માત્ર એક માળનો હતો, ત્યારબાદ તેમાં બે માળ વધુ જોળી દેવામાં આવ્યાં.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે ઔપચારિક રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો હતો. શિવસેના અધ્યક્ષ ઠાકરેએ ગુરુવારે સાંજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તેમણે એ જ રાતે પ્રથણ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી. ઉદ્ધવ ઠાકરે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન મહા વિકાસ અઘાડી સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. ઠાકરે ઉપરાંત અન્ય 6 મંત્રીઓએ પણ શપથ લીધા, જેમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના બે-બે નેતાઓનો સમાવેશ થાય છે.