મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે CM ચહેરો નહીં હોયઃ સંજય નિરુપમ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવતો જાય છે. ચૂંટણીથી પહેલાં રાજકીય પક્ષો મોટા-મોટા દાવાઓ કરી રહ્યા છે. શિવસેના શિંદે જૂથના વરિષ્ઠ નેતા સંજય નિરુપમે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે આવનારી ચૂંટણીમાં મહાયુતિ સરકાર બનાવશે. લોકસભા ચૂંટણીનાં પરિણામો પર તેમણે વિપક્ષને ટોણો મારતાં કહ્યું હતું કે લાકડાની હાંડી વારંવાર નથી ચઢતી.

શિવસેના નેતા સંજય નિરુપમે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી ચહેરો નહીં હોય. કોંગ્રેસે પણ ઘોષણા કરી હતી કે વિધાનસભામાં MVAને સામે રાખીને ચૂંટણી લડવામાં આવશે. આ પહેલાં શરદ પવાર ઉદ્ધવ ઠાકરેના ઇરાદા પર પાણી ફેરવી ચૂક્યા છે. ત્રણ પાર્ટીઓમાં વચ્ચે હોડ લાગી છે. લોકસભા ચૂંટણીનાં પરિણામોએ ત્રણે પક્ષોને રણમાં પાણીનો એક નાનો સ્રોત બતાવી દીધો હતો. ત્રણે પક્ષોમાં મુખ્ય મંત્રીનું સ્વપ્ન જોઈ રહેલા નેતા અત્યારથી સુટ સીવડાવવાની તૈયારીમાં લાગી ગયા છે. તેમને કોણ બતાવે કે લાકડાની હાંડી ફરીથી નહીં ચઢે. બંને ચૂંટણીના સંદર્બે અલગ છે અને મુદ્દા પર અલગ છે. પરિણામો પણ ચોક્કસ બદલાઈ જશે. એક સર્વે અનુસાર મહાયુતિ બહુમતથી માત્ર આઠ સીટ પાછળ છે.

હજી ત્રણ મહિના બાકી છે અને અમે ગેપ પણ ભરીશું અને ચૂંટણી આવતાં-આવતાં MVA બહુ આગળ નીકળી જશે. મહારાષ્ટ્રની લાડલી બહેન અને લાડલા ભાઈ યોજના મહાયુતિની સરકાર ફરીથી લાવી રહી છે. એ દરમ્યાન MVAની ત્રણ પાર્ટીઓના CM ખયાલી પુલાવ પકાવતા રહે, એમ તેમણે કહ્યું હતું.