નવી દિલ્હીઃ શિવસેના, એનસીપી અને કોંગ્રેસના મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના નેતા ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન મોદીને ફોન કરીને શપથ સમારોહમાં આમંત્રિત કર્યા છે. જો કે વડાપ્રધાન મોદીને સમારોહનું આમંત્રણ પણ અલગથી મોકલવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
શિવસેનાના નેતા એકનાથ શિંદેએ કહ્યું કે, અમે શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને આમંત્રિત કર્યા છે. અમને આશા છે કે કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ કાર્યક્રમમાં હાજરી આપશે. કોંગ્રેસ નેતા વિજય વદેતિવારે કહ્યું કે, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સીવાય મમતા બેનર્જી, કેજરીવાલ અને સ્ટાલિનને આમંત્રિત કરવામાં આવ્યા છે.
શિવસેના સાંસદ વિનાયક રાઉતે કહ્યું કે, પાર્ટીના કદ્દાવર રાજનૈતિક નેતાઓ સીવાય આત્મહત્યા કરી ચૂકેલા ખેડુતોના પરિવારના સભ્યો સહિત લગભગ 400 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. શપથ શિવાજી પાર્કમાં સાંજે 6:40 વાગ્યે લેવામાં આવશે.