આજે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેનો રાજતિલક સમારોહ; મહારાષ્ટ્રના મળશે નવા મુખ્ય પ્રધાન

મુંબઈ – શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. શપથવિધિ સમારોહ આજે સાંજે 6.40 વાગ્યે દાદરના શિવાજી પાર્ક મેદાન ખાતે યોજવામાં આવશે. ઉદ્ધવ ઠાકરે શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ, એમ 3 પક્ષોના બનેલા મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (MVA) ગઠબંધનની સરકારનું નેતૃત્ત્વ કરશે.

ઉદ્ધવ સાથે આજે બીજા 6 પ્રધાનો પણ શપથ લેશે. રાજ્યપાલ ભગતસિંગ કોશિયારી ઠાકરે તથા અન્ય પ્રધાનોને શપથ લેવડાવશે. ત્રણેય પાર્ટીના બે-બે પ્રધાન આજે શપથ લેશે.

ઉદ્ધવ ઠાકરે વિધાનસભ્ય નથી અને રાજ્યપાલ કોશિયારીએ એમને જણાવી દીધું છે કે એમણે છ મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણી લડવાની રહેશે.

ત્રણેય પાર્ટી વચ્ચે થયેલી સમજૂતી અનુસાર, એનસીપીને ઉપમુખ્ય પ્રધાન પદ આપવામાં આવ્યું છે જ્યારે સ્પીકર પદ કોંગ્રેસને ફાળવવામાં આવ્યું છે. અજીત પવાર નાયબ મુખ્ય પ્રધાન બનશે. જોકે ચર્ચા એવી છે કે વિધાનસભામાં વિશ્વાસનો મત લેવાઈ જાય એ પછી અજીત પવારને નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવડાવવામાં આવશે. રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને કહ્યું છે કે એમણે 3 ડિસેંબર સુધીમાં વિધાનસભામાં એમની બહુમતી સાબિત કરી લેવાની રહેશે.

શિવસેના તરફથી આજે એકનાથ શિંદે અને સુભાષ દેસાઈ, એનસીપી તરફથી છગન ભુજબળ અને જયંત પાટીલ તેમજ કોંગ્રેસ તરફથી બાળાસાહેબ થોરાત અને અશોક ચવ્હાણ શપથ લે એવી ધારણા છે.

શિવસેનાની સ્થાપના સ્વ. બાલ ઠાકરેએ કરી હતી અને એમના પરિવારમાંથી આ પહેલી જ વાર કોઈ સભ્ય મહારાષ્ટ્રનું મુખ્ય પ્રધાન પદ સંભાળશે.

શિવસેના પાર્ટીના આ ત્રીજા નેતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનશે. આ પહેલાં મનોહર જોશી અને નારાયણ રાણે મુખ્ય પ્રધાન બન્યા હતા.

શપથવિધિ સમારોહ માટે સુરક્ષાનો અત્યંત કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. શિવાજી પાર્ક વિસ્તારમાં આજે બપોરે 3 વાગ્યાથી લઈને રાતે 9 વાગ્યા સુધી ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફારો કરવામાં આવ્યા છે અને નિયમન કરવામાં આવ્યું છે. ટ્રાફિક વિભાગે એની જાણકારી સોશિયલ મિડિયા મારફત આપી છે અને વાહનચાલકોને ડાઈવર્ઝન્સનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

વડા પ્રધાન મોદીને આમંત્રણ

ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેલિફોન કર્યો હતો અને પોતાના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવાનું એમને આમંત્રણ આપ્યું હતું.

ઉદ્ધવના પુત્ર અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરે ગઈ કાલે નવી દિલ્હી ગયા હતા અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી તથા ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને શપથવિધિ સમારોહમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું. કોંગ્રેસ પાર્ટી મહારાષ્ટ્રમાં શાસક ગઠબંધનની ભાગીદાર છે.

મહારાષ્ટ્રમાં 20 વર્ષ પછી ફરી શિવસેનાના નેતા મુખ્ય પ્રધાન બનશે. 1999માં નારાયણ રાણે મુખ્ય પ્રધાન બન્યા હતા.

2013માં બાલ ઠાકરેના નિધન બાદ ઉદ્ધવ ઠાકરે શિવસેનાના પ્રમુખ બન્યા હતા. એ પહેલાં 2003માં તેઓ પક્ષના કાર્યકારી પ્રમુખ બન્યા હતા. 2002માં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્ત્વ હેઠળના પ્રચાર બાદ શિવસેનાએ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવી હતી.