નાગરિકતા ખરડાના મુદ્દે ત્રિપુરામાં વિરોધે હિંસક વળાંક લીધોઃ ઇન્ટરનેટ સેવા બંધ

અગરતલા: ત્રિપુરામાં નાગરિકતા સુધારા બિલના વિરોધને ધ્યાનમાં રાખીને મંગળવારે બપોરે 2 વાગ્યાથી ઇન્ટરનેટ સેવાઓ 48 કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ વાત સત્તાવાર સૂચનામાં કહેવામાં આવી છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તમામ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સને એસએમએસ મેસેજીસ પર પ્રતિબંધ મૂકવાની સૂચના પણ આપવામાં આવી છે. અફવાઓ ફેલાતી રોકવા આ પગલું લેવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ વિભાગની આ સૂચના પર ત્રિપુરા સરકારના અધિક સચિવ એકે ભટ્ટાચાર્યના હસ્તાક્ષર છે.

સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, ‘પ્રેસ સંદેશાઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ જાહેરનામાના ભંગને ભારતીય દંડ સંહિતાની કલમ 188, ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885 ની સંબંધિત જોગવાઈઓ, ટેલિકોમ સર્વિસીસ (જાહેર કટોકટી અથવા જાહેર સલામતી)ના નિયમો, 2017ના કામચલાઉ સસ્પેન્શન હેઠળ શિક્ષા કરવામાં આવશે. ‘ આદેશમાં જણાવાયું છે કે, ત્રિપુરામાં તમામ મોબાઇલ સેવા પ્રદાતાઓના એસએમએસ સંદેશાઓ અને મોબાઇલ ઇન્ટરનેટ માટે, આગામી 48 કલાક સુધી, ભારતીય ટેલિગ્રાફ અધિનિયમની જોગવાઈઓ હેઠળ, જાહેરનામું, ડેટા / સેવાઓ પર પ્રતિબંધ રહેશે.

ત્રિપુરાના પોલીસ મહાનિદેશકએ કહ્યું છે કે મનુ અને કંચનપુર વિસ્તારમાં આદિવાસીઓ અને બિનઆદિવાસીઓ વચ્ચેના વંશીય સંઘર્ષ પર અફવાઓ ફેલાવાઈ રહી છે. જેનાથી સમગ્ર વિસ્તારમાં હિંસક સ્થિતિ સર્જાઇ છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “આવી ઘટનાઓથી સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે, જેનાથી જાહેર સલામતીને જોખમ થવાની સંભાવના છે. તેથી સમગ્ર રાજ્યની શાંતિ-વ્યવસ્થાને અવ્યવસ્થિત થતી બચાવવા, ઉપરોક્ત મીડિયાના દુરૂપયોગને રોકવા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે અધિક સચિવને સૂચના જાહેર કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. પૂર્વોત્તરના અન્ય રાજ્યોની જેમ મંગળવારે પણ ત્રિપુરામાં વિરોધ થયો હતો.