નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ફેબ્રુઆરીના રોજ સ્વદેશ નિર્મિત ટ્રેન 18ને લીલી ઝંડી દેખાડશે. રેલ મંત્રાલયના એક અધિકારીએ આ જાણકારી આપી છે. ચેન્નઈના ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરી દ્વારા નિર્મિત દેશની પ્રથમ એન્જિન રહીત ટ્રેન 18ને નવી દિલ્હી રેલવે સ્ટેશનથી સવારે 10 વાગ્યે રવાના કરવામાં આવશે.
રેલવે અધિકારીએ કહ્યું કે વડાપ્રધાન ટ્રેનને લીલી ઝંડી આપ્યાની સાથે જ લોકોને સંબોધિત પણ કરશે. એક્ઝીક્યૂટિવ ક્લાસમાં નવી દિલ્હીથી વારાણસી જનારા યાત્રીઓને સવારની ચા, નાસ્તો અને બપોરના ભોજન માટે 399 રુપિયા ચૂકવવાના રહેશે જ્યારે ચેર કારના યાત્રીઓ માટે આ પ્રાઈઝ 344 રુપિયા નક્કી કરવામાં આવી છે. તો નવી દિલ્હીથી કાનપુર અને પ્રયાગરાજ જનારા યાત્રીઓને એક્ઝીક્યુટિવ ક્લાસ અને ચેર સીટ માટે ક્રમશઃ 115 રુપિયા અને 122 રુપિયા આપવા પડશે. વારાણસીથી દિલ્હી જવા માટે યાત્રીઓને એક્ઝીક્યૂટિવ ક્લાસ અને ચેર સીટ માટે ક્રમશઃ 349 રુપિયા અને 288 રુપિયા ચૂકવવા પડશે. તેમને નાસ્તો, સાંજની ચા અને રાત્રી ભોજન આપવામાં આવશે.
રેલ મંત્રાલયે પહેલા જ સંકેત આપ્યો હતો કે ટ્રેન 18 નું ભાડુ શતાબ્દી ટ્રેનની તુલનામાં 40-50 ટકા વધારે હશે. રેલ પ્રધાન પીયૂષ ગોયલે પહેલા કહ્યું હતું કે સ્વદેશ નિર્મિત ટ્રેન 8 કલાકમાં 795 કિલોમીટરનું અંતર પૂર્ણ કરશે જે રુટની અન્ય સૌથી ફાસ્ટ ટ્રેનોની તુલનામાં 35 ટકા વધારે તેજ છે.