ખોફનાક આતંકી ષડયંત્રનો પર્દાફાશ, શિવમંદિરનો ભંડારો હતો નિશાન પર

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના મુંબ્રાથી પકડાયેલા ISISના સંદિગ્ધ આતંકીઓને ઔરંગાબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.  તેમને 14 ફેબ્રુઆરી સુધી એટીએસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર એટીએસે ISIS ના જે સંદિગ્ધ આતંકીઓની ધરપકડ કરી છે તેમની સાથે પૂછપરછ દરમિયાન ખોફનાક ષડયંત્ર સામે આવ્યું છે.

ISIS ના ઈરાદો મુંબ્રાના 400 વર્ષ જૂના પ્રાચીન શિવમંદિરને નિશાને લેવાનો હતો. મંદિરમાં થનારા ભંડારાના ભોજનમાં કેમિકલ પોઈઝન ભેળવીને લાખો શ્રદ્ધાળુઓને એક સાથે મોતને ઘાટ ઉતારવાની યોજના આતંકીઓએ બનાવી હતી. આઈએસઆઈએસ પહેલાં પણ પ્રકારના પ્રયત્નો કરી ચૂક્યું હતું પરંતુ તેને નિષ્ફળતા મળી હતી.

પરંતુ આ વર્ષે આગામી શિવરાત્રિના રોજ ફરીથી આ ષડયંત્રને અંજામ આપવાનો હતો. મુંબ્રાના આ પ્રાચીન શિવ મંદિરના ટ્રસ્ટી હીરાલાલ ગુપ્તાએ જણાવ્યું કે સંદિગ્ધ આતંકીને લઈને મહારાષ્ટ્ર એટીએસની ટીમે અહીં આવીને પૂછપરછ કરી હતી. એટીએસે મંદિરના રસોડામાં જવાના તમામ રસ્તાઓ સહિત ભંડારા માટે જમવાનું તૈયાર કરનારા કેટરિંગ સર્વિસ સંચાલક સુધીની તમામ જાણકારી પ્રાપ્ત કરી હતી.

મુંબ્રાના આ 400 વર્ષ જૂના મંદિરમાં આયોજિત થનારા ભંડારામાં આશરે 40 થી 50 હજાર લોકો ભાગ લે છે. આ જ કારણ હતું કે જ્યારે થોડા સમય પહેલાં મંદિરમાં આયોજિત શિવકથા બાદ અહીં ભંડારો રાખવામાં આવ્યો હતો ત્યારે સદિગ્ધ આતંકી પાછળના રસ્તાથી દાખલ થયો અને રસોડા સુધી પહોંચી ગયો હતો પરંતુ રસોડામાં કેટલાક લોકો હાજર હતાં જેથી આતંકી ભોજનમાં ઝેર ન ભેળવી શક્યો.

જાણકારી એ પણ મળી છે કે આતંકી બીએમસી હોસ્પિટલમાં આપવામાં આવનારી દવાઓમાં કેમિકલ પોઈઝન ભેળવીને મોટાપાયે લોકોને મોતને ઘાટ ઉતારવાના પ્રયત્નોમાં હતાં. પકડાયેલા આતંકીઓ પૈકી એક મુંબઈ સેન્ટ્રલ સ્થિત બીએમસી હોસ્પિટલના સેક્સુઅલી ટ્રાંસમિટેડ ડિસીઝ ડિપાર્ટમેન્ટમાં ફાર્માસિસ્ટ તરીકે કામ કરતો હતો. ષડયંત્ર એટલું ખતરનાક હતું કે દવા લેનારા દર્દીઓનું મોત કેવી રીતે થયું તે વાતની જાણકારી ન મળી શકત.

ફાર્માસિસ્ટ તરીકે કામ કરનારો આ આતંકી અત્યંત ખતરનાક હતો. આનું નામ જમન કુટ્ટેપડી છે. આ શખ્સે એવું કેમિકલ તૈયાર કર્યું હતું કે જેનાં થોડાક ટીપાં પણ મોટાપાયે તબાહી મચાવી શકે છે.