જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવી તો કરીશું ત્રિપલ તલાક ખતમ

નવી દિલ્હીઃ ત્રણ તલાક કાયદાને લઈને કોંગ્રેસ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. કોંગ્રેસના અલ્પસંખ્યક મહાઅધિવેશનમાં મહિલા કોંગ્રેસના અધ્યક્ષ સુષ્મિતા દેવે કહ્યું કે જો અમારી સરકાર આવશે તો નરેન્દ્ર મોદી સરકારના લાવેલા ત્રિપલ તલાક કાનૂનને અમે ખતમ કરી દઈશું. તેમણે એ પણ જણાવ્યું કે આ કાયદો મુસ્લિમ પુરુષોને જેલ મોકલવાનું એક ષડયંત્ર છે. આ સંમ્મેલનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય કાર્યકર્તા પણ ઉપસ્થિત હતાં. આપને જણાવી દઈએ કે બીજેપી સતત એ આરોપ લગાવતી આવી છે કે કોંગ્રેસ ત્રણ તલાક અધ્યાદેશ વિરુદ્ધ રહી છે.

આ પહેલાં પોતાના એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના આંતરરાષ્ટ્રીય અલ્પસંખ્યક સંમેલનને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને બીજેપી સહિત આરએસએસ સંઘ પ્રમુખ મોહન ભાગવત પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે કોઈપણ દેશના પીએમ દેશને તોડનારા નહી જોડનારા હોવા જોઈએ નહીતર એવા પીએમને હટાવી દેવા જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે આરએસએસ નાગપુરથી દેશ ચલાવવા ઈચ્છે છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા અને એકવાર ફરીથી ડિબેટ કરવાનો પડકાર આપ્યો.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે તમે નરેન્દ્ર મોદીનો ચહેરો ધ્યાનથી જોશો તો દેખાશે કે તેમના ચહેરા પર ગભરાહટ છે. નરેન્દ્ર મોદીને ખ્યાલ આવી ગયો છે કે દેશને તોડીને, નફરત ફેલાવીને હિન્દુસ્તાન પર રાજ ન કરી શકાય. હિન્દુસ્તાનના વડાપ્રધાનને દેશને જોડવાનું કામ કરવું જોઈએ અને જો તેઓ આવું નથી કરતા તેમને હટાવી દેવા જોઈએ.

પાંચ વર્ષ પહેલાં કહેવાતુ હતું કે મોદીજીની 56 ઈંચની છાતી છે, 15 વર્ષ રાજ કરશે. આજે કોંગ્રેસ પાર્ટીએ નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠાના લીરેલીરા ઉડાવ્યા છે. ખેડુતોની વાત હોય, મજૂરોની વાત હોય, ગરીબોની વાત હોય કે કરપ્શનની વાત હોય, જ્યાં પણ તમે જોશો ત્યાં મોદીજીનું સત્ય કોંગ્રેસ કાર્યકર્તાઓએ દેશને જણાવ્યું છે. 2019માં નરેન્દ્ર મોદી, ભાજપ અને આરએસએસને કોંગ્રેસ હરાવવા જઈ રહી છે.

આપને જણાવી દઈએ કે ત્રણ તલાક બિલ પર સામાન્ય સંમતિ ન બન્યા બાદ 11 જાન્યુઆરીના રોજ મોદી સરકારે આના સાથે જોડાયેલા અધ્યાદેશને મંજૂરી આપી હતી. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થયેલી એક બેઠકમાં આને મંજૂરી આપી દેવામાં આવી હતી. સંસદના તત્કાલીન સત્રમાં ત્રણ તલાક સાથે જોડાયેલા બિલને પાસ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યસભામાં વિપક્ષે આને પાસ ન થવા દિધું. વિપક્ષનો તર્ક હતો કે સરકારે ઉતાવળમાં આને રજૂ કર્યું હતું ત્યારે આ તમામ દલીલોને લઈને સામાન્ય સહમતિ નહોતી બની શકી.

આ પહેલા સંસદના શીત સત્રમાં પણ રાજનૈતિક ગતિરોધના કારણે ત્રણ તલાક બિલ રાજ્યસભામાં લટક્યું હતું. રાજ્યસભામાં બહુમતીના અભાવમાં સરકાર આ બિલને આગળ ન વધારી શકી. વિપક્ષ બિલને સિલેક્ટ કમીટીને મોકલવાની પોતાની માંગ પર અડગ રહ્યો. 31 જાન્યુઆરીના રોજ રાજ્યસભામાં ત્રણ તલાક બિલ પારિત કરાવવાના સરકારના પ્રયત્નો નિષ્ફળ રહ્યા. વિપક્ષ ત્રણ તલાક બિલમાં મોટા બદલાવની માંગ કરી રહ્યું હતું અને સદનમાં ચર્ચા પહેલા સીલેક્ટ કમીટીની માંગ પર વિપક્ષ અડગ રહ્યું. સરકારે વિપક્ષની માંગ ફગાવી દીધી. રાજ્યસભામાં વિપક્ષના ઉપનેતા આનંદ શર્માએ સરકાર પર એક સંવેદનશીલ મુદ્દે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો જ્યારે સરકારે કહ્યું હતું કે વિપક્ષ એ વાતથી ડરી ગયો છે કે જો કાયદો બની ગયો તો મુસ્લિમ મહિલાઓ મોદીનું સમર્થન કરશે.