નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ ભારતી એરટેલને તેનો પ્લેટિનમ અને વોડાફોન આઈડિયાને રેડએક્સ પ્રીમિયમ પ્લાન હાલ પૂરતા બંધ કરવા કહ્યું છે. આ કંપનીઓએ આ પ્લાન્સ અંતર્ગત કેટલાક પસંદ કરેલા યૂઝર્સને હાઈ સ્પીડ ડેટા આપવાનું વચન આપ્યું છે. આ પ્રિમિયમ પ્લાન્સને લઈને એવા સવાલ ઉઠ્યા છે કે શું અન્ય ગ્રાહકોની સેવામાં ઘટાડો કરીને આ પ્રેફરન્શિયલ નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે?
ટ્રાઇએ બંને ઓપરેટર – એરટેલ અને વોડાફોન આઇડિયાને આ વિશે પત્ર લખ્યો છે અને હાલ પૂરતા આ વિશેષ પ્લાન્સ પરત લેવા કહ્યું છે. સાથે જ તેમના પ્લાન અંગે સવાલો પણ કર્યા છે. TRAIએ પૂછ્યું છે કે શું યુઝર્સને આ સ્પીડ અન્ય યુઝર્સની સેવામાં ઘટાડો કરીને આપવામાં આવી રહી છે. ટ્રાઇએ ઓપરેટર્સને પૂછ્યું છે કે તમે અન્ય સામાન્ય ગ્રાહકોના હિતોનું રક્ષણ કેવી રીતે કરી રહ્યા છો?
વોડાફોન આઈડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, જે ગ્રાહકો અનલિમિટેડ ડેટા, કોલ, પ્રીમિયમ કન્ટેન્ટ, આંતરરાષ્ટ્રીય રોમિંગ પેક સહિતના અનેક ફાયદા ઈચ્છે છે તેમના માટે વોડાફોન રેડએક્સ પ્લાન છે. કંપની તેના ગ્રાહકોને શ્રેષ્ઠ અને હાઇ સ્પીડ 4G ડેટા સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.
એરટેલના પ્રવક્તાએ કહ્યું કે, અમે અમારા બધા ગ્રાહકોને શ્રેષ્ઠ નેટવર્ક અને સેવા પ્રદાન કરવા માટે ઉત્સાહિત છીએ. કંપની પોસ્ટપેડ ગ્રાહકો માટેની સેવા અને જવાબદારી વધારવા માંગે છે. ટ્રાઇએ જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપ્યો છે.