મુંબઈ – ફ્લિપકાર્ટ અને વોલ્માર્ટ વચ્ચેના સોદા તેમજ એમેઝોન અને ‘મોર’ બ્રાન્ડ વચ્ચેના સોદાના વિરોધમાં ભારતભરના રીટેલરો તથા સાધારણ વેપારીઓ સંગઠિત થયા છે. પહેલેથી જ ધંધામાં મંદીથી આર્થિક ભીંસ અનુભવતા વેપારીઓએ 28 સપ્ટેંબરે ‘ભારત બંધ’ પાળવાનું એલાન કર્યું છે જ્યારે આજે નવી દિલ્હીમાં ધરણા યોજવાના છે.
ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા વ્યાપાર મંડળ દ્વારા આજે નવી દિલ્હીમાં જંતર મંતર ખાતે વિરોધ-દેખાવો યોજવામાં આવનાર છે અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ સંસ્થાના નેજા હેઠળ સાત કરોડ જેટલા વેપારીઓ 28 સપ્ટેંબરે ‘ભારત બંધ’માં જોડાશે.
વેપારીઓનો દાવો છે કે ખાનગી-વિદેશી કંપનીઓ વચ્ચેના સહયોગને કારણે વોલમાર્ટ અને એમેઝોન જેવી મલ્ટીનેશનલ કંપનીઓ પાછલા દરવાજેથી ભારતમાં ઘૂસી આવશે. રીટેલ સેક્ટરમાં એફડીઆઈની મંજૂરીએ પરંપરાગત દુકાનદારોની આજીવિકા ઉપર મોટું જોખમ ઊભું કર્યું છે.
હાલના જે કાયદા છે તે વોલમાર્ટ જેવી કંપનીઓને ભારતમાં બિઝનેસ કરવાની પરવાનગી આપતા નથી, પણ એ ફ્લિપકાર્ટમાં કન્ટ્રોલિંગ હિસ્સો ખરીદી લીધા બાદ ભારતમાં પાછલા દરવાજેથી એન્ટ્રી કરશે. એવી જ રીતે, More બ્રાન્ડની ખરીદીના સોદા બાદ એમેઝોન કંપની પણ દેશમાં આયોજિત રીટેલમાં પ્રવેશ કરશે. વોલમાર્ટ જેવી કંપનીઓ ભારતના કાયદાઓ તોડીને દેશના નાના વેપારીઓના ધંધાને માઠી અસર કરશે. મેટ્રો કેશ-એન્ડ-કેરી માટે માત્ર હોલસેલ માર્કેટમાં જ વેચાણ કરવાની પરવાનગી છે.