વારાણસી: લોકસભા ચૂંટણી 2019 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી બેઠક માટે ઉમેદવારી નોંધાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર ભરવા માટે દિવસ-તારીખ અને યોગ નક્કી કરાયા બાદ વારાણસીના પંડિતોએ શુભ મુહૂર્ત કાઢ્યું હતું. વડાપ્રધાને 26મી એપ્રિલના રોજ કાર્ય સિદ્ધિ માટે સૌથી પ્રભાવશાળી તથા શુભ અભિજિત મુહૂર્ત એટલે કે વિજયી મુહૂર્તમાં ઉમેદવારીપત્ર ભર્યું.
અગાઉ પીએમ મોદીએ કાશીના કોટવાલ ગણાતા બાબા કાલભૈરવના દર્શન કર્યા હતા. કાશીમાં કોઈ પણ શુભ કામ શરૂ કરતા પહેલા દંડના અધિકારી અને કલ્યાણ કરનારા બાબા કાલભૈરવના દર્શનથી પણ મનોકામના પૂરી થાય જ છે. તેમની કૃપાથી દરેક પ્રકારના કષ્ટ, દોષ તથા નજરબાધા દૂર થાય છે. એવી પણ માન્યતા છે કે કાલભૈરવના દર્શન માત્રથી યમના દંડથી બચી શકાય છે.
વડાપ્રધાન મોદીએ આજે સવારે વારાણસીમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને સંબોધન કરતા જણાવ્યું કે જનતા 5 વર્ષના અનુભવના આધારે અનેક આશા અને અપેક્ષા લઈને આપણી સાથે જોડાઈ છે. જનતાએ આખા દેશમાં રાજનૈતિક ચરિત્રને બલદી નાંખ્યું છે. વડાપ્રધાને કહ્યું કે આપણા દેશમાં આટલી ચૂંટણી થઈ પરંતુ આ ચૂંટણી થયા બાદ રાજકીય પંડીતોને ખૂબ માથાપંજી કરવી પડશે કારણ કે આઝાદી બાદ પ્રથમવાર પ્રો-ઈન્કમબન્સી (સત્તા તરફી) લહેર જોવા મળી રહી છે.
આ વખતે એનડીએના સાત સહયોગી પક્ષના પ્રમુખ નેતાઓ પણ હાજર રહ્યાં. આ પહેલાં વડાપ્રધાને બૂથ અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓને પણ સંબોધિત કર્યા હતા. સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે, એક સમયે મેં પણ દીવાલો ઉપર પોસ્ટર લગાવ્યા છે. ત્યારપછી મોદી કાશી કોતવાલ કાલ ભૈરવ અને કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન-પૂજા કર્યા કરીને કલેક્ટર ઓફિસ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. અહીં એનડીએના દિગ્ગજ નેતા તેમની સાથે રહ્યા હતા.
વડાપ્રધાને કહ્યું કે આ વખતે જનતા ચૂંટણી લડી રહી છે, હું છેલ્લા દોઢ મહિનાથી આખા દેશમાં ફરી રહ્યો છું. હું અમિત શાહ અને યોગીજી અમે બધાં તો નિમિત માત્ર છીએ. બાકી આ વખતે તો દેશની જનતા ચૂંટણી લડી રહી છે. પહેલીવાર લોકોએ જોયું કે સરકાર ચાલે પણ છે. પીએમએ કહ્યું કે, મેં ક્યારેય એવું નથી કહ્યું કે, હું પીએમ હોવાથી હવે પાર્ટીને સમય નહીં આપી શકું. 5 વર્ષમાં એક કાર્યકર્તા તરીકે પાર્ટીએ જ્યારે પણ સમય માંગ્યો ત્યારે મેં કદી ના નથી પાડી. કાર્યસમિતિની બેઠકમાં પણ કાર્યકર્તા તરીકે સંપૂર્ણ સમય બેસુ છું. આપણે બધા ભારત માતાની સેવા કરી રહ્યા છીએ. આ વખતે માત્ર મોદી ચૂંટણી નથી લડી રહ્યા પરંતુ સમગ્ર જનતા ચૂંટણી લડી રહી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહીં કાર્યકર્તાઓએ જણાવ્યું કે, કાશી જીતવાનું કામ કાલે જ પુરૂ થઈ ગયું છે હવે આપણે પોલિંગ બૂથ જીતવાના છે. મોદી હારે કે જીતે તે ગંગા મૈયા જોઈ લશે પરંતુ મારા બૂથનો કાર્યકર્તા ન હારવો જોઈએ. આપણો લક્ષ્યાંક પોલિંગ બૂથ જીતવાનો હોવો જોઈએ. તેમણે કહ્યું કે, આપણે આ વખતે મતદાનના દરેક રેકોર્ડ તોડી નાખવા છે. મોદી કેટલા વોટથી જીતે તે મહત્વનું નથી. હું ગુજરાતમાં ઈચ્છતો હતો કે પુરુષો કરતા મહિલાઓનું વોટિંગ પાંચ ટકા વધારે થાય અને આ વખતે વારાણસીમાં પણ આવું થવું જોઈએ.