કોરોના સામે લડવા તાતા ગ્રુપ રૂ. 1,500 કરોડ આપશે

નવી દિલ્હીઃ તાતા ગ્રુપ કોરોના વાઇરસ સામે લડાઈ માટે રૂ. 1,500 કરોડ આપવાની જાહેરાત કરી છે. તાતા  ટ્રસ્ટસના ચેરમેન રતન તાતા રૂ. 500 કરોડ આપશે અને તાતા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરે રૂ. 1000 કરોડ આપવાની જાહેરાત કરી હતી. કંપની દ્વારા આ ફંડ સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે જરૂરી ઉપકરણો ખરીદવા, કોરોના કેસ વધવાને મામલે શ્વાસ સંબંધિત રોગની સામે ટેસ્ટિંગ કિટ ખરીદવા જેવાં કામો માટે આપવામાં આવશે. તાતા ટ્રસ્ટના ચેરમેન રતન તાતાએ કહ્યું હતું કે કોવિડ-19 સંકટને પહોંચી વળવા માટે તાત્કાલિક સ્તરે ઇમર્જન્સી રિસોર્સિસ તહેનાત કરવાની જરૂર છે.

તાતા ટ્રસ્ટના ચેરમેન રતન તાતાએ કહ્યું હતું કે અમે જરૂરી વેન્ટિલેટર્સ પણ લાવી રહ્યાં છીએ અને ભારતમાં ટૂંક સમયમાં તેના ઉત્પાદન માટે પણ સજ્જ બની રહ્યા છીએ. દેશ અભૂતપૂર્વ પરિસ્થિતિ અને કટોકટીનો સામનો કરી રહ્યો છે. તેની અસરને ઘટાડવા અને સમુદાયોની જીવન ગુણવત્તામાં સુધારો કરવા માટે આપણે બધાએ જે કંઈ પણ કરવું પડે એ કરીશું.

રતન તાતાએ ટ્વીટ કર્યું

રતન તાતાએ આ સંબંધે ટ્વીટ કરીને કહ્યું હતું કે કોવિડ-19 મુશ્કેલ પડકારોમાંનો એક છે, જેનો સામનો આપણે સૌએ મળીને કરવાનો છે. તાતા ટ્રસ્ટ અને તાતા ગ્રુપની કંપનીઓ ભૂતકાળમાં પણ દેશની જરૂરિયાત સામે ઊભી રહી છે. આ સમયે પણ બહુ મોટી જરૂરિયાત છે.

તાતાએ એક નિવેદનમાં કહ્યું હતું કે અમે બધી જ સંસ્થાઓ અને દરેક વ્યક્તિનો આભાર માનીએ છીએ, જે આ રોગચાળા સમયે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. હાલમાં સરકારે કંપનીઓને પોતાની કોર્પોર્ટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડને કોવિનડ-19 રોગચાળાથી લડવામાં ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. સરકારના આ પગલાથી સ્થાનિક કંપનીઓને લાભ થવાની આશા છે. અન્ય કોર્પોરેટ ગ્રુપો આ સંકટ મસયે રાજ્યોની સાથે ઊભા છે. આ રોગચાળાને લીધે આર્થિક કામકાજ અટકી ગયાં છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]