ચેન્નાઈઃ ઉત્તર ભારતમાં તો હાલ ગાત્રો થીજાવી દે એવી ઠંડી પડી રહી છે ત્યારે નીચે દક્ષિણમાં એક ગામમાં આજે સવારે લઘુત્તમ તાપમાન ઝીરો ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચે ઉતરી ગયું હતું. આ ગામ છે થલાઈકુંધા, જે નિલગિરીઝ જિલ્લામાં આવેલું છે.
આ ગામ તામિલનાડુના ઉપરવાસમાં આવેલું છે. ત્યાંના લોકો આટલી બધી કાતિલ ઠંડીમાં રહેવાને ટેવાયેલાં નથી. ઉષ્ણતામાનનો પારો ઝીરો ડિગ્રી સુધી પહોંચી જતાં મોટા ભાગનાં લોકો એમનાં ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. આને કારણે જનજીવન સ્થગિત થઈ ગયું છે. તામિલનાડુના હિલ સ્ટેશન ઊટીમાં લઘુત્તમ તાપમાન 7.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
થલાઈકુંધા તથા આસપાસના અમુક ભાગોમાં બરફ પડ્યો હતો. એને તમે થીજી ગયેલો ભેજ પણ કહી શકો. રસ્તાઓ પર પાર્ક કરેલા વાહનો ઉપર એક ઈંચ જેટલો બરફ પડેલો જોવા મળ્યો હતો. રહેવાસીઓ ફરિયાદ કરી રહ્યાં છે કે એમને તેમની કાર ચાલુ કરવામાં તકલીફ પડી રહી છે. હવામાન વિભાગના સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી આ વિસ્તારમાં દિવસ અને રાતના તાપમાનમાં નોંધપાત્ર ફરક રહેતો જણાયો છે. મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ સુધી રહે છે.