UP સરકારના આદેશની વિરુદ્ધ ભાજપના ત્રણ સહયોગી પક્ષો

નવી દિલ્હીઃ કાંવડ રૂટ પર દુકાનોનાં નામ અને દુકાનદારોનાં નામ લખવાના UP સરકારના નિર્ણયનો ભાજપના ત્રણ સાથી પક્ષોએ વિરોધ કર્યો છે. JDU, RLD અને LJPએ વિરોધ કર્યો છે. JDUના મહા સચિવ કેસી ત્યાગીએ કહ્યું હતું કે UPથી મોટી કાંવડ યાત્રા બિહારમાં નીકળે છે, પણ ત્યાં કોઈ આવો આદેશ નથી આપવામાં આવ્યો. આ પ્રતિબંધ PM મોદીના સ્લોગન – सबका साथ सबका विकासની વિરુદ્ધ છે, એમ તેમણે કહ્યું હતું.

CM યોગી આદિત્યનાથના કાંવડ યાત્રાના માર્ગમાં આવતી તમામ દુકાનો પર નામ લખવાનો આદેશ આપ્યા બાદ ભારે વિવાદ થઈ રહ્યો છે. પહેલાં વિપક્ષો દ્વારા તેમના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો, હવે ભાજપના સાથી પક્ષોએ પણ વિરોધમાં સૂર પુરાવવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ યોગીના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે.

તેમણે કહ્યું હતું કે જ્યારે પણ જાતિ અથવા ધર્મનું વિભાજન થશે, ત્યારે હું ક્યારેય તેનું સમર્થન નહીં કરું. આ મામલો સામે આવ્યા બાદ સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, કોંગ્રેસ જેવા વિપક્ષી દળોએ વિરોધ કર્યો હતો. માયાવતીએ પણ યોગીના આદેશને પરત ખેંચવાની માગ કરી હતી.

JDUએ ગુરુવારે બેઠક બોલાવી યોગી સરકારના આદેશની સમીક્ષા કરી હતી, તો RLDએ નિર્ણયને પરત ખેંચવાની શુક્રવારે માગ કરી છે. RLDના પ્રદેશાધ્યક્ષ રામાશિષ રાયે X પર ટ્વીટ કરી છે કે ઉત્તર પ્રદેશ તંત્રનો દુકાનદારોને પોતાની દુકાનો પર પોતાનું નામ અને ધર્મ લખવાનો આદેશ આપવો જાતિ અને સંપ્રદાયને પ્રોત્સાહન આપનાર પગલું છે. RLD નેતાએ તેને ગેરબંધારણીય નિર્ણય ગણાવતાં તંત્રને તેને પાછો ખેંચવાની માગ કરી છે.