હરિદ્વાર – જાણીતા યોગગુરુ બાબા રામદેવે કહ્યું છે કે દેશમાં વસ્તી વધારાની સમસ્યાને અંકુશમાં રાખવી હોય તો સરકારે એવો કાયદો ઘડવો જોઈએ કે જેમાં દરેક દંપતીના ત્રીજા નંબરના જન્મેલા સંતાનને ચૂંટણીઓમાં વોટ આપવાનો અધિકાર ન હોય.
રામદેવે શરાબના ઉત્પાદન, વેચાણ અને ખરીદી પર દેશભરમાં પ્રતિબંધ મૂકવાનો પણ અનુરોધ કર્યો છે.
આજે અહીં પત્રકાર પરિષદને સંબોધિત કરતાં રામદેવે કહ્યું હતું કે ભારતની વસ્તી આવતા 50 વર્ષમાં 150 કરોડથી વધવી ન જોઈએ, કારણ કે એનાથી જે સમસ્યાઓ ઊભી થશે એનો સામનો કરવા માટે આપણે તૈયાર નથી. વસ્તી નિયંત્રણ તો જ થઈ શકશે જો સરકાર એવો કાયદો ઘડે જેમાં દેશમાં પ્રત્યેક દંપતીના ત્રીજા નંબરના સંતાનને ચૂંટણીઓમાં વોટ આપવાની મનાઈ કરાય, એને ચૂંટણી લડવા ન દેવાય અને સરકાર જે કોઈ અધિકાર કે સુવિધા આપે એ તેને મળવી ન જોઈએ.
રામદેવનું કહેવું છે કે જો આવો કાયદો ઘડાશે તો જ લોકો વધારે બાળકોને જન્મ આપતા અટકશે, પછી એ કોઈ પણ ધર્મના હોય.
રામદેવે ગૌહત્યા ઉપર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. એમણે કહ્યું કે ગાયનાં દાણચોરો અને ગૌરક્ષકો વચ્ચેના ઘર્ષણનો અંત લાવવાનો આ એકમાત્ર રસ્તો છે. જે લોકોને માંસ ખાવું છે એ લોકો માટે અનેક પ્રકારનાં માંસ હોય છે તેઓ એ ખાઈ શકે છે.
રામદેવે શરાબ ઉપર પણ દેશભરમાં પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. એમણે કહ્યું કે જો ઈસ્લામી દેશોમાં શરાબ ઉપર પ્રતિબંધ છે તો ભારતમાં કેમ નહીં? આપણી તો ઋષિઓની ભૂમિ છે. ભારતમાં શરાબ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાવો જોઈએ.