નવી દિલ્હીઃ હજી ઉનાળાની સીઝનનો પ્રારંભ થયો છે, ત્યારે જંગલોમાં આગ લાગવાની ઘટના વધી ગઈ છે. છેલ્લા એક સપ્તાહમાં 26 માર્ચથી એક એપ્રિલની વચ્ચે દેશભરનાં 29 રાજ્યોનાં જંગલોમાં આગના 60,000થી વધુ કેસ નોંધાયા છે, એમ ભારતીય વન સર્વેક્ષણના આંકડા કહે છે.
દેશનાં 24 રાજ્યોમાં છેલ્લા છથી આઠ દિવસમાં 1230 આગની ઘટનાઓ નોંધવામાં આવી છે. જેમાંથી 235 આગની ઘટનાઓને કાબૂમાં લેવાના પ્રયાસો જારી છે. આગના સૌથી વધુ કેસ મધ્ય પ્રદેશમાં 93, મહારાષ્ટ્રમાં 47, છત્તીસગઢમાં 31 અને ઓડિશામાં 21 આગના કેસ સક્રિય છે.
છેલ્લા સાત દિવસોમાં, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, મિઝોરમ અને બિહાર સૌથી મોટા જંગલો આગથી વધુ પ્રભાવિત થયાં છે. ભારતીય વન સર્વેક્ષણ અનુસાર છેલ્લા સાત દિવસમાં 29 રાજ્યોમાં આગની 60 હજારથી વધુ નાની-મોટી ઘટનાઓ નોંધવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં સૌથી વધુ 17,709, છત્તીસગઢમાં 12,805, મહારાષ્ટ્રમાં 8920, ઓડિશામાં 7130 અને ઝારખંડમાં 4684 આગની ઘટનાઓ નોંધવામાં આવ છે. દેશનાં ઘણાં રાજ્યોમાં જંગલોમાં લાગેલી આગથી વન્યજીવો અને વન્યસંપત્તિ પર જોખમ ઊભું થયું છે. રાજસ્થાનના સરિસ્કામાં 90 કલાક સુધી સળગતું રહ્યું હતું. આ સાથે જ જમ્મુ-કાશ્મીર અને હિમાચલ સહિત દેશનાં ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોમાં હજારો હેક્ટર જંગલનો નાશ થયો છે.
IMDના આંકડા મુજબ માર્ચમાં દેશમાં 71 ટકા ઓછો વરસાદ થયો છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં 89 ટકા અને મધ્ય પ્રદેશમાં 87 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જેથી જંગલો સૂકાં રહેતાં આગ લાવાની આશંકા વધી હતી.
