કર્ણાટકમાં ચૂંટણી પહેલાં ગુજરાતવાળો પ્રયોગ થવાની શક્યતા

બેંગલુરુઃ કર્ણાટકમાં ફરીથી ભાજપની સરકાર લાવવી એ ભાજપના હાઇ કમાન્ડ માટે એક મોટો પડકાર છે. મોદી-શાહની જોડી કોઈ પણ ભોગે દક્ષિણના આ રાજ્યને પોતાના હાથમાંથી જવા નહીં દે. જેથી એક ખાસ વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે. જેથી લોકોનો ગુસ્સો ઓછો થઈ શકે અને તેઓ ભાજપને મનથી મત આપે. હાઇ કમાન્ડને ખબર છે કે બસવરાજ બોમ્મઇ સરકારના મંત્રીઓથી લોકો ખુશ નથી.

બોમ્મઇ કેબિનેટના કેટલાય મંત્રીઓની ટિકિટ કપાઈ શકે છે. આટલું જ નહીં, 20 ટકા વિધાનસભ્યોની ટિકિટ કપાય એવી શક્યતા છે. ગુજરાતમાં મોદી-શાહની જોડી એવો પ્રયોગ કરીને ઐતિહાસિક જીત હાંસલ કરી ચૂકી છે. ગુજરાતમાં પણ સરકારથી લોકોને સંતોષ નહોતો. હાઇ કમાન્ડને માલૂમ હતું કે ફેરબદલ નહીં કરવામાં આવે તો ચૂંટણીમાં લોકોની નારાજગી ભારે પડી શકે છે. જેથી ટિકિટ વિતરણમાં કેબિનેટનું જ પત્તું કપાઈ ગયું હતું.

કર્ણાટક સરકાર ભ્રષ્ટાચારના મુદ્દે લોકોના નિશાના પર છે. કેટલાય મંત્રીઓની સામે પોસ્ટર પણ લાગી ચૂક્યાં છે. જેથી ભાજપના હાઇ કમાન્ડ કોઈ ચાન્સ લેવાના મૂડમાં નથી દેખાતા.

હાઇ કમાન્ડનો પેંતરો ભાજપના નેતા બીએસ યેદુયેરુપ્પાને મોંઘો પડી શકે છે. જોકે તેમને ભાજપની કેન્દ્રીય સમિતિમાં જગ્યા આપીને નારાજગી દૂર કરવાના પ્રયત્ન થયા હતા, પણ તેઓ તેમના નાના પુત્રને લઈને ઘણા સજાગ છે. તેની કેરિયર બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

જોકે એક અહેવાલ મુજબ 75 પારના નેતાઓની ટિકિટ કપાવવાનું નક્કી છે. 20 ટકા હાલના વિધાનસભ્યોને પણ ચૂંટણી મેદાનમાંથી દૂર કરવામાં આવી શકે છે. જેથી પક્ષમાં કેટલાક લોકો બળવો કરે એવી શક્યતા છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]