નવી દિલ્હી- દેશમાં હાલમાં આધાર કાર્ડ ડેટા લીકને લઈને ચાલી રહેલા ગતિરોધ અંગે UIDAIના પૂર્વ અધ્યક્ષ નંદન નીલેકણીએ જણાવ્યું છે કે, ‘આધાર કાર્ડને બદનામ કરવાનું આ સુનિયોજીત ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે. આધાર કાર્ડ ડેટા લીક સંબંધી સમાચાર પ્રકાશમાં આવ્યા બાદ એક અંગ્રેજી અખબાર સામે નોંધાયેલી FIR ને લઈને નંદન નીલેકણીએ ઉપરોક્ત જવાબ આપ્યો હતો.એક ખાનગી ટીવી ચેનલ સાથે વાતચીત દરમિયાન નંદન નીલેકણીએ જણાવ્યું કે, દેશમાં આધાર કાર્ડની યોજનાને બદનામ કરવાનું ષડયંત્ર ચલાવવામાં આવી રહ્યું છે. અને આ સાચી વાત છે. નંદન નીલેકણીએ કહ્યું કે, લોકો આધાર કાર્ડને લઈને ફક્ત નકારાત્મક વિચાર રાખશે તો પરિણામ પણ તે મુજબ આવશે. લોકોએ એક વાત સ્વીકારી લેવી જોઈએ કે, આધાર કાર્ડ યથાવત રાખવામાં આવશે કારણકે, દેશમાં આશરે 55 કરોડ લોકોએ તેમના બેન્ક ખાતા સાથે આધાર કાર્ડ લીંક કરાવ્યા છે અને તેમને કેન્દ્ર સરકાર તરફથી મળતી સહાય અને સબસીડીની રકમ પણ તેમના બેન્ક ખાતામાં સીધી જ મળવા લાગી છે.
નંદન નીલેકણીએ જણાવ્યું કે, તેમને સુપ્રીમ કોર્ટ પર પુરો ભરોસો છે તે આધાર કાર્ડનું સમર્થન કરશે, કારણકે આધાર કાર્ડને તર્કસંગત રીતે બનાવવામાં આવ્યું છે. એક સવાલના જવાબમાં નીલેકણીએ કહ્યું કે, આધાર અંતર્ગત પ્રાપ્ત થતી સુચનાઓને સુરક્ષિત રાખવા માટે બે સ્તરીય સુરક્ષાપ્રણાલી અપનાવવાનું સમર્થન કર્યું હતું.