લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે મોટુ પગલું લેતાં 27.5 લાખ મનરેગા મજદૂરોના એકાઉન્ટમાં રૂ. 611 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરી હતી. કોરોના રોગને નાથવા માટે લોકડાઉનમાં સૌથી વધુ મુશ્કેલી દાડિયા મજૂરોને પડી રહી છે. તેઓ દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવામાં પણ ફાંફાં પડી રહ્યા છે. આ પહેલાં મુખ્ય પ્રધાન યોગીએ 20 લાખથી વધુ મજૂરોનાં ખાતાંમાં રૂ. 1000 ટ્રાન્સફર કર્યા હતા.
મુખ્ય પ્રધાન આદિત્યનાથે લખનૌથી એક ક્લિક કરીને સાડા 27 લાખ મનરેગા મજૂરોનાં ખાતાંમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. કેન્દ્ર સરકારે મનરેગા મજૂરોની મજૂરી રૂ. 182થી વધીને રૂ. 202 કરી દીધી હતી. કેન્દ્ર સરકારે વધારેલી મજૂરી હેઠળ યોગી સરકારે મનરેગા મજૂરોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મજૂરો સાથે વાત
મુખ્ય પ્રધાન યોગીએ વિડિયો કોન્ફન્સિંગ દ્વારા પ્રદેશના મનરેગા મજૂરોથી વાત પણ કરી હતી. મુખ્ય પ્રધાન યોગીએ મજૂરોના ખબરઅંતર પૂછ્યા હતા અને તેમને આશ્વાસન આપ્યું હતું કે તેમણે ગભરાવાની જરાય જરૂર નથી. સરકાર લોકોને ત્રણ મહિનાનું કરિયાણું પણ મફત આપશે. આ પહેલાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યના 20 લાખથી વધુ દૈનિક મજૂરોનાં અકાઉન્ટમાં રૂ. 1000 ટ્રાન્સફર કર્યા હતા.
યોગી આજે દિલ્હીમાં રોકાશે, મજૂરોથી વાત પણ કરશે
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દિલ્હીથી પરત ફરી રહેલા મજૂરોનાં દુઃખ-દર્દ સમજવા માટે નોઇડા જવા રવાના થયા છે. તેઓ દિલ્હી સ્થિત કન્ટ્રોલ રૂમનુ નિરીક્ષણ કરશે. યોગી આજે રાત્રે દિલ્હીમાં રોકાશે અને આવતી કાલે મેરઠ અને ગાજિયાબાદની મુલાકાત લેશે. તેમણે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પત્ર લખીને આશ્વાસન આપ્યું હતું કે તેઓ યુપીમાં રહેતા દિલ્હીવાસીઓનું ધ્યાન રાખશે. તેમણે દિલ્હીમાં રહેલા યુપીના લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા અને અન્ય જરૂરિયાતોનું ધ્યાન રાખવા આશા વ્યક્ત કરી હતી.