દેહરાદૂનઃ ઉત્તરાખંડ સરકારે શુક્રવારે અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓને ચાર ધામ- યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથની યાત્રા કરવાની મંજૂરી આપી દીધી છે. ચાર ધામ દેવસ્થાનમ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) રવિનાથ રમણે આ ઘોષણા કરી હતી.
આ પહેલાં કોવિડ-19 રોગચાળાને કારણે આ વર્ષે માત્ર ઉત્તરાખંડના રહેવાસીઓને જ ચાર ધામની યાત્રા માટે મંજૂરી આપવામાં આવી હતી. આ રોગચાળાને લીધે આ યાત્રાનો પ્રારંભ કરતાં તેમણે પણ ઈ-પાસ મેળવવાનું અને કેટલીક માર્ગદર્શિકાનું પાલન કરવાનું આવશ્યક હતું. જ્યારે અન્ય રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે પૂજા-પાઠ-આરતી અને ભોગ માટે ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી.
શરતી મંજૂરી
હવે રાજ્ય સરકારે અન્ય રાજ્યોના તીર્થયાત્રીઓને ચાર ધામ યાત્રા કરવાની મંજૂરી આપી દીધી છે. જોકે એક શરત મૂકવામાં આવી છે. ભક્તોનો RT-PCR (રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરેઝ ચેઇન રિએક્શન) ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવવો જોઈએ. આ ટેસ્ટ ભક્તોએ ઉત્તરાખંડમાં પ્રવેશ કરે એના 72 કલાક પહેલાં કરાવી હોવી જોઈએ.
તે ઉપરાંત જે ભક્તોએ ઉત્તરાખંડમાં પહોંચી ગયા બાદ પોતાનો ક્વોરન્ટાઇન સમયગાળો પૂરો કરી લીધો હશે, તેઓ પણ પવિત્ર યાત્રામાં ભાગ લઈ શકશે.
રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત
ચાર ધામ દેવસ્થાનમ બોર્ડની વેબસાઇટ પર દરેક ભક્તે રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેશે. તેઓ રજિસ્ટ્રેશન પ્રક્રિયાના રૂપમાં પોતાનું ID અને એની સાથે કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ પણ અપલોડ કરવાનો રહેશે.
દરેક તીર્થયાત્રી પોતાના મોબાઇલ ફોનમાં પોર્ટલથી ઈ-પરમિટ ડાઉનલોડ કરી શકે છે, પણ એની ખરાઈ માટે ફોટો, ID, સરનામાના પુરાવા અને કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ પણ સાથે રાખવાનો રહેશે.
ઉત્તરાખંડ સરકારે 29 જૂને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)ની જાહેરાત કરી હતી, જેમાં ચાર ધામની યાત્રા માટે પ્રતિ દિન ભક્તોની સંખ્યા સીમિત રાખવામાં આવી છે. એમાં કેદારનાથ માટે 800 ભક્તો, બદરીનાથ માટે 1200, ગંગોત્રી માટે 600 અને યમુનોત્રી માટે 400ની સંખ્યા નક્કી કરવામાં આવી છે. SOP અનુસાર દરેક ભક્તની પાસે ઓળખપત્ર અને એડ્રેસ પ્રૂફ હોવું જરૂરી છે.