કોકા કોલા, થમ્સ અપ પર પ્રતિબંધની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ કોકા કોલા અને થમ્સ અપ પર પ્રતિબંધની મૂકવાની માગણી કરનાર એક અરજીકર્તાને ભારે પડી ગયું છે. ભારતમાં આ બંને ઠંડાં પીણાંના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ફગાવી દીધી હતી અને અરજીકર્તાને રૂ. પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો. ન્યાયમૂર્તિ ધનંજય વાય. ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા અને ન્યાયમૂર્તિ અજય રસ્તોગીની ખંડપીઠે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ કેસની સુનાવણી કરતાં અરજીકર્તા ઉમેદસિંહ પી. ચાવડાની અરજીને કાઢી નાખી હતી. ખંડપીઠે કહ્યું હતું કે બંધારણ અનુચ્છેદ 32 હેઠળ આ પ્રકારની અરજી દાખલ કરવી એ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ છે.

કોઈ ટેક્નિકલ માહિતી વગર દાખલ કરવામાં આવી અરજી

ખુદને સામાજિક કાર્યકર્તા બતાવનાર ચાવડાએ અરજીમાં દાવો કર્યો હતો કે આ ઠંડાં પીણાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જોકે ખંડપીઠે અરજી ફગાવતાં કહ્યું હતું કે આ અરજી એ વિષય વિશે કોઈ ટેક્નિકલ માહિતી વગર દાખલ કરવામા આવી છે અને આમાં કરવામાં આવેલા દાવાના સમર્થનમાં કંઈ છે નહીં.

પાંચ લાખનો દંડ એક મહિનામાં જમા કરાવવાનો આદેશ

ખંડપીઠે અરજીકર્તા પર રૂ. પાંચ લાખનો દંડ ફટકારવાનો આદેશ આપ્યો છે અને આ રકમ એક મહિનાની અંદર કોર્ટના રજિસ્ટ્રાર પાસે જમા કરાવવામાં આવે, જેને સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિયેશનને આપવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]