મુરાદાબાદઃ એક ત્રણ વર્ષની બાળકીએ રેલવે સ્ટેશન પર બેભાન થયેલી માતાને મદદ કરવા ગજબની સમજદારી દાખવી હતી. આ નિઃસહાય બાળકીએ થોડે દૂર ઊભેલી RPFની મહિલા કોન્સ્ટેબલની પાસે જઈને તેની આંગળી પકડીને પોતાની માતા પાસે લઈ આવી. એ મહિલા પાસે છ મહિનાનું દૂધ પીતું બાળક પણ હતું. મહિલા કોન્સ્ટેબલે અન્ય પોલીસવાળાઓની મદદથી મહિલાને હોસ્પિટલમાં દાખલ પણ કરાવી.
મુરાદાબાદ રેલવે સ્ટેશને એક મહિલા બેભાન થઈ ગઈ હતી. તેની સાથે તેની ત્રણ વર્ષની પુત્રી હતી. માતા ઊઠી નહીં, એટલે તે પહેલાં ખૂબ રોતી રહી. ત્યાર બાદ તે થોડે દૂર ઊભેલી RPFની મહિલા કોન્સ્ટેબલ પાસે પહોંચી હતી. તે બાળકીએ પહેલા કોન્સ્ટેબલની આંગળી પકડી લેતાં પહેલાં તો તે કશું સમજી નહીં, પણ જ્યારે તે એક તરફ ખેંચવા માંડી તો તે તેની સાથે ચાલવા માંડી હતી. તે બાળકી મહિલા કોન્સ્ટેબલને પોતાની માતા પાસે લઈ ગઈ.
પ્લેટફોર્મ નંબર પાંચ પર મહિલાને બેભાનાવસ્થામાં જોઈને કોન્સ્ટેબલ મૂંઝવણમાં મુકાઈ ગઈ. તેણ જોયું બેભાન પડેલી મા પાસે બીજું એક બાળક પણ સૂતું છે. મહિલા કોન્સ્ટેબલે GRPને બોલાવી. GRPએ એમ્બ્યુલન્સને કોલ કરીને મહિલાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. હાલ GRP બાળકની માવજત કરી રહી છે. ડોક્ટરનું કહેવું છે કે મહિલા ખતરાથી બહાર છે.