વધુ છૂટછાટો સાથે લોકડાઉન 30 જૂન સુધી લંબાવાયુ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે જારી રહેલા લોકડાઉનને સરકારે 30 જૂન સુધી વધારવાનો નિર્ણય લીધો છે. જોકે આ વખતે સરકારે કન્ટેનમેન્ટ ઝોન સિવાય અન્ય જગ્યાઓએ મોલ અને રેસ્ટોરાંને ખોલવાની મંજૂરી આપી દીધી છે. હવે આઠ જૂનથી મોલ અને રેસ્ટોરાં ખૂલી શકશે. ગૃહ મંત્રાલય (MHA)એ કન્ટેનમેન્ટ ઝોનથી બહારનાં ક્ષેત્રોને ફરીથી ખોલવા માટે નવા દિશા-નિર્દેશ જારી કર્યા છે. આ દિશા-નિર્દેશો પહેલી જૂન, 2020થી લાગુ પડશે અને 30 જૂન, 2020 સુધી અમલમાં રહેશે.

ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે નવા દિશા-નિર્દેશ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે વ્યાપક વિચારવિમર્શને આધારે જારી કરવામાં આવ્યા છે. નવા દિશા-નિર્દેશો અનુસાર કન્ટેનમેન્ટ ઝોનથી બહાર એ બધી કામગીરી ફરીથી શરૂ થઈ શકશે, જેના પર અત્યાર સુધી પ્રતિબંધિત હતી, પણ એને તબક્ક્વાર રીતે ખોલવામાં આવશે.

 દેશમાં વધુ છૂટછાટો સાથે લોકડાઉન વધારાયું

  • નિયંત્રિત ક્ષેત્રોની બહાર પ્રતિબંધિત કામગીરીને તબક્ક્વાર ખોલવામાં આવશે
  • આઠ જૂનથી જે કામગીરીને મંજૂરી આપવામાં આવશે, એમાં લોકો માટે ધાર્મિક સ્થળ, હોટલ, રેસ્ટોરાં અને અન્ય હોટેલ સેવાઓ સામેલ હશે.
  • આઠ જૂનથી શોપિંગ મોલ ખોલવાની મંજૂરી
  • રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે વિચારવિમર્શ કરીને સ્કૂલ, કોલેજ, શૈક્ષણિક ટ્રેનિંગ, કોચિંગ સંસ્થાઓ ખોલવામાં આવશે.
  • શૈક્ષણિક સંસ્થાઓને જુલાઇથી ખોલવામાં માટે વિચાર કરવામાં આવશે
  •  રાત્રે કરફ્યુના સમયની સમીક્ષા થશે, સમગ્ર દેશમાં હવે રાત્રે નવથી સવારે પાંચ કલાક સુધી લોકોના હરવા-ફરવા પર પ્રતિબંધ હશે.
  • આગળ સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આંતરાષ્ટ્રીય હવાઈ સેવા, મેટ્રો ટ્રેન, સિનેમા હોલ, જિમ, રાજકીય સભાઓ વગેરે પણ નિર્ણય લેવામાં આવશે.

 

કોરોના વાઇરસના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે દેશભરમાં 25 માર્ચથી લોકડાઉન જારી છે. હાલ લોકડાઉનનો ચોથો તબક્કો જારી છે, જે 31 મેએ પૂરો થઈ રહ્યો છે.