નવીદિલ્હીઃ રાજકીય પક્ષો દ્વારા કથિતપણે સેનાનો પક્ષપ્રચાર માટે ઉપયોગ કરવાના મુદ્દે ગત સપ્તાહમાં ખૂબ ગાજેલી ચિઠ્ઠી આખરે રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગઈ હોવાના સમાચાર સામે આવ્યાં છે. અગ્રણી સમાચારપત્રના હવાલે મળતાં ખબર પ્રમાણે એ ચિઠ્ઠીમાં કોઇના હસ્તાક્ષર ન હોવાનું પણ જણાવાયું છે.રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી અશોક મલિકે જણાવ્યું હતું કે અમને કોઇ હસ્તાક્ષરવાળી ચિઠ્ઠી મળી નથી. તો બીજીતરફ 15 એપ્રિલે આ ચિઠ્ઠી મોકલનારા નિવૃત્ત મેજર પ્રિયદર્શી ચૌધરીએ આ દાવાને ચોંકાવનાર અને બકવાસ ગણાવ્યો હતો. ચૌધરીએ કહ્યું કે મેં લેટર પર હસ્તાક્ષર કર્યાં છે જેને 150થી વધુ વેટરન ઓફિસરોએ સમર્થન આપ્યું હતું. એ પરેશાન કરનાર વાત છે કે એ લોકો દાવો કરી રહ્યાં છે તેના પર કોઇ હસ્તાક્ષર નથી. આ એક ઓપન લેટર છે અને દેશભરના મીડિયામાં તેના પર વિસ્તારથી લખવામાં આવ્યું છે. એવું લાગે છે કે તેઓ સંજ્ઞાન લેવા માગતાં નથી અને આવા તુચ્છ બહાના બતાવી રહ્યાં છે.એક અહેવાલ પ્રમાણે પોસ્ટવિભાગના આંકડા પ્રમાણે સ્પીડ પોસ્ટ દ્વારા એ ચિઠ્ઠી 15 એપ્રિલે ભુવનેશ્વરના ખોરદાથી પોસ્ટ કરવામાં આવી હતી. જે 18 એપ્રિલે સાંજે 4.32 મિનિટે રાષ્ટ્રપતિભવનમાં ડિલિવર કરી દેવામાં આવી હતી. મેજર ચૌધરીનું જણાવવું હતું કે એ ચિઠ્ઠીનો રાષ્ટ્રપતિભવનને 12 એપ્રિલે મધ્યરાત્રિએ મેઇલ પણ કર્યો હતો.
જોકે રાષ્ટ્રપતિભવને એવો કોઇ ઇમેલ મળ્યાંનો પણ ઇનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સેનાના કેટલાક રીટાયર્ડ ઓફિસરોનું અભૂતપૂર્વ પગલું ત્યારે સામે આવ્યું જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન યુપી સીએમ યોગી આદિત્યનાથે મોદીજી કી સેના શબ્દનો પ્રયોગ કર્યો હતો. તો પીએમ મોદીએ પણ બાલાકોટ એરસ્ટ્રાઇક અને પુલવામાના શહીદોને ઉલ્લેખ કરતાં પહેલાવાર વોટ આપતાં મતદારોને અપીલ કરી હતી. જોકે સૈન્ય ઓફિસરોવાળી ચિઠ્ઠીમાં કોઇ રાજનેતા કે પાર્ટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.