નવી દિલ્હીઃ કથિત દારૂ આબકારી નીતિ મામલામાં દિલ્હી સ્થિત રાઉસ એવેન્યુ કોર્ટે દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયાને ચોથી માર્ચ સુધી CBI રિમાન્ડમાં મોકલી દીધા છે. CBIએ કોર્ટથી મનીષ સિસોદિયાને પાંચ દિવસના રિમાન્ડ આપવાની અપીલ કરી હતી. CBIએ કોર્ટને કહ્યું હતું કે મનીષ સિસોદિયા તપાસમાં સહયોગ નથી કરી રહ્યા.
CBIની આ અપીલનો મનીષ સિસોદિયાના વકીલોએ વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે CBIના આરોપ ખોટા છે. આ પહેલાં આજે મનીષ સિસોદિયાની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિલ્હી પોલીસે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પાર્ટી ઓફિસ અને CBI ઓફિસની બહાર દેખાવો કરી રહ્યા હતા.
આ પહેલાં સિસોદિયા મામલામાં સુનાવણી પૂરી થયા પછી કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. સિસોદિયાના ત્રીજા વકીલ સિદ્ધાર્થ અગ્રવાલે કહ્યું હતું કે CBI એ નિર્ણયની તપાસ કરવા ઇચ્છે છે, જે ચૂંટાયેલી સરકારની કેબિનેટ કર્યો હતો. નાણાપ્રધાનની તમે ત્યારે ધરપકડ કરી રહ્યા છો, જ્યારે તેમણે બજેટ રજૂ કરવાનું છે. પબ્લિક સર્વન્ટની ધરપકડ કરવા પહેલાં સક્ષમ સત્તાવાળાથી મંજૂરી લેવી જોઈતી હતી. તેમના બીજા વકીલે (મોહિત માથુર) કહ્યું હતું કે એક્સાઇઝ પોલિસીને લઈને ઉપરાજ્યપાલથી પણ ચર્ચા કરી હતી. LGના સૂચનો પણ નીતિમાં નાખવામાં આવ્યા હતા.