નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરમાં આતંકના સફાયા માટે ભારતીય સુરક્ષા દળોના ઓપરેશનની અસર દેખાઈ રહી છે. મોદી સરકારે દાવો કર્યો છે કે ઘાટીમાં ઘૂસણખોરી અને આતંકી ઘટનાતોમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષ ખાસ્સો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન કિશન રેડ્ડીએ આ મામલે સંસદમાં નિવેદન આપ્યું છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું કે ગત વર્ષની તુલનામાં આ વર્ષના શરુઆતના છ મહિનામાં આતંક સાથે જોડાયેલા તમામ મામલાઓમાં ઘટાડો નોંધાયો છે. તો આતંકવાદીઓના ખાત્માની ગતિમાં વધારો થયો છે. આ તમામને આતંક પર લગામ લગાવવાની દિશામાં જોવામાં આવી રહ્યું છે.
કિશન રેડ્ડીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનામાં 28 ટકાનો ઘટાડો નોંધાયો છે. તો ઘૂસણખોરીની ઘટનાઓ પણ 43 ટકા ઘટી છે. ઘાટીના યુવાઓને પાકિસ્તાની આતંકી ફોસલાવીને સંગઠનમાં ભરતી કરતાં હતાં, તેમાં પણ 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ તમામ ઘટનાક્રમ બાદ જમ્મુકશ્મીરમાં છેલ્લાં 6 મહિનામાં આતંકીઓના ખાત્માની ગતિમાં 22 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.
ગૃહ મંત્રાલયનું કહેવું છે સુરક્ષા દળોને મળેલા ફ્રી હેંડ અને આતંક પર કેન્દ્ર સરકારની ઝીરો ટોલરન્સ નીતિએ આતંકી સંગઠનોના મૂળીયા હલાવી નાંખ્યા છે. થોડા સમય પહેલાં સમાચારો આવ્યાં હતાં કે ઘાટીમાં આતંકી સંગઠનોને હવે કમાન્ડર પણ નથી મળી રહ્યાં.