કશ્મીરમાં અલગતાવાદીઓની પ્રોપર્ટી પર દરોડાઃ શ્રીનગરમાં અંદ્રાબીની સંપત્તિ જપ્ત

શ્રીનગર – નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત આજે કશ્મીરમાં જોરદાર સપાટો બોલાવ્યો છે અલગતાવાદી નેતાઓની પ્રોપર્ટી પર જપ્ત કરી છે.

NIA અધિકારીઓએ શ્રીનગર શહેરની હદમાં ઉગ્રમતવાદી કશ્મીરી અલગતાવાદી નેતા આસિયા અંદ્રાબીના આવેલા ઘરને જપ્ત કર્યું છે.

NIA દ્વારા UAPA આતંકવાદ-વિરોધી કાયદા અંતર્ગત આ પગલું ભરવામાં આવ્યું છે.

સૌરા વિસ્તારમાં 90-ફીટ રોડ પર આવેલા અંદ્રાબીનાં ઘરને જપ્ત કરવામાં આવ્યું હોવાનો અટેચમેન્ટ ઓર્ડર ઘરની બહાર ચોંટાડી દેવામાં આવ્યો છે.

અંદ્રાબી કશ્મીરનાં પ્રથમ મહિલા અલગતાવાદી નેતા છે. એ પ્રતિબંધિત દુખ્તરન-ઈ-મિલ્લત જૂથનાં વડાં છે.

હવે એનઆઈએ એજન્સી જ્યાં સુધી આ કેસમાં એણે શરૂ કરેલી તપાસ પૂરી ન કરે ત્યાં સુધી અંદ્રાબી આ ઘરને વેચી નહીં શકે. જોકે એમનાં પરિવારને ત્યાં રહેવાની પરવાનગી આપવામાં આવી છે.

અંદ્રાબીએ પૂછપરછ દરમિયાન કબૂલ કર્યું હતું કે એ વિદેશી સ્રોતો પાસેથી પોતાનાં સંગઠન દુખ્તરન-ઈ-મિલ્લત માટે ભંડોળ અને દાન મેળવતી રહી છે. એમનું સંગઠન કશ્મીર ખીણમાં મુસ્લિમ મહિલાઓ માટે વિરોધ કાર્યક્રમોનું આયોજન કરે છે.

અંદ્રાબીએ એવી પણ કબૂલાત કરી હતી કે એક પાકિસ્તાની લશ્કરી અધિકારી મારફત પોતે લશ્કર-એ-તૈબાના વડા હફીઝ સઈદ સાથે ગાઢ સંપર્કમાં છે.