નવી દિલ્હીઃ ટીએમસી સાંસદ મિમિ ચક્રવર્તીએ રાજ્યસભા સાંસદ જયા બચ્ચનના એ નિવેદનનું સમર્થન કર્યું છે કે જેમાં તેમણે બળાત્કારીઓનું લિચિંગ કરવા માટે કહ્યું હતું. ચક્રવર્તીએ કહ્યું છે કે માત્ર તાત્કાલિક સજા જ મહિલાઓને આ પ્રકારના લોકોથી રક્ષણ અપાવી શકે છે. તેમણે કહ્યું કે, હું તેમનાથી સહમત છું. મને નથી લાગતું કે બળાત્કારીઓને સુરક્ષા સાથે કોર્ટમાં લાવવા જોઈએ અને પછી ન્યાયની રાહ જોવી જોઈએ. આ પ્રકારના લોકોને તુરંત જ સજા મળવી જોઈએ. તેમણે આ વાત ટ્વીટ કરીને કહી. તો બીજા ટ્વિટમાં તેમણે કહ્યું કે, હું તમામ સંબંધિત મંત્રીઓને અપીલ કરુ છું કે એટલો મજબૂત કાયદો બનવો જોઈએ કે કોઈ વ્યક્તિ માત્ર બળાત્કાર કર્યા પહેલા જ નહી પરંતુ ખોટી રીતે કોઈપણ મહિલાને જોતા પહેલા પણ 100 વાર વિચાર કરે.
હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટરના સામુહિક બળાત્કાર અને બાદમાં તેની હત્યાની જે ઘટના બની તે મામલે સંસદના બન્ને ગૃહમાં તેની કડક નિંદા કરવામાં આવી અને રાજ્યોમાં પ્રદર્શનકારીઓએ રોડ પર આવીને પ્રદર્શનો કર્યા હતા. કેન્દ્રએ કહ્યું કે કડક કાયદો લાવવા અને જલ્દી જ ન્યાય સુનિશ્ચિત કરવા માટે કાયદામાં સંશોધન કરવા માટે તૈયાર છીએ.
સમાજવાદી પાર્ટીના સદસ્ય જયા બચ્ચને રાજ્યસભામાં કડક શબ્દોમાં આ ઘટનાની નિંદા કરતા ત્યાંના સુરક્ષા પ્રભારીને જવાબદાર ગણાવવાની માંગ કરી. જયા બચ્ચને કહ્યું કે, હૈદરાબાદમાં એક દિવસ પહેલા પણ એ જ જગ્યાએ આ પ્રકારની ઘટના ઘટી હતી.
તેમણે કહ્યું કે આ પ્રથમ વખત નથી કે જ્યારે હું કોઈ મુદ્દા પર બોલવા માટે ઉભી થઈ છું. નિર્ભયા કાંડ, કઠુઆ કાંડ… ઘટનાઓ ઘટી જ રહી છે. જયા બચ્ચને કહ્યું કે, બળાત્કારના દોષિતો સાથે કોઈપણ પ્રકારની નરમાશ ન રાખવી જોઈએ. તેમને કડકમાં કડક સજા આપવી જોઈએ અને તેમના વિરુદ્ધ કાર્યવાહી સાર્વજનિક રીતે કરવી જોઈએ. તેમણે કહ્યું કે, આ પ્રકારના લોકોને પબ્લિકના હવાલે કરીને લિચિંગ કરી દેવા જોઈએ.