નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં મમતા સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી છે અને કોલકાતા હાઇકોર્ટના ચુકાદાને પડકાર આપ્યો છે. મમતા સરકારે સુપ્રીમ કોર્ટને હાઇકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. સરકારે અરજીમાં કહ્યું છે કે હાઇકોર્ટના ચુકાદાથી સ્કૂલોમાં એક મોટું શૂન્ય પેદા થઈ જશે.
પશ્ચિમ બંગાળની મમતા સરકારે સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2016માં કરવામાં આવેલી શિક્ષણ અને બિનશૈક્ષણિક કર્મચારીઓની લગભગ 24,000 નિયુક્તિઓને રદ કરવાના ચુકાદાને પડકાર્યો છે. ટોચની કોર્ટ સમક્ષ અરજીમાં રાજ્ય સરકારે આરોપ લગાવ્યો છે કે હાઇકોર્ટે મૌખિક દલીલોને આધારે અને રેકોર્ડ પર સોગંદનામાના અભાવે મનમાની રીતે નિમણૂકો રદ કરી દીધી છે. રાજ્ય સરકારે હાઇકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. સરકારે કહ્યું હતું કે આ ચુકાદો પુરાવાની સંપૂર્ણ ઉપેક્ષા કરતાં આપવામાં આવ્યો હતો. કોલકાતા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત અને સરકારી સહાયતા પ્રાપ્ત સ્કૂલોમાં રાજ્ય સ્તરીય પસંદગી પરીક્ષા-2016 (SLST)ની પ્રક્રિયા દ્વારા બધી નિમણૂકોને રદ કરતાં સોમવારે એને ગેરલાયક ઠેરવી હતી. હાઇકોર્ટે શિક્ષક ભરતીને ગેરકાયદે ઠેરવતાં 24,000 ઉમેદવારોની ગેરકાયદે ભરતી પ્રક્રિયા પછી પ્રાપ્ત વેતન પરત લેવાનો આદેશ કર્યો હતો.
આ પહેલાં મમતા બેનરજીએ કહ્યું હતું કે હાઇકોર્ટનો ચુકાદો ગેરકાયદે છે અને સરકાર એ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. હાઇકોર્ટે પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશન (SSC)ને નવી નિમણૂક પ્રક્રિયા શરૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.