નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે નાણાકીય સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલી જેટ એરવેઝની સંપત્તિને વેચવાનો આદેશ આપ્યો છે. કોર્ટે NCLATનો નિર્ણયને ફગાવી દીધો છે. NCLATએ માર્ચ 2024માં જેટ એરવેઝની માલિકી માટે રિઝોલ્યુશન પ્લાન હેઠળ જાલાન-કાલરોક કોન્સોર્શિયમ (JKC)ને આપવાનો ચુકાદો આપ્યો હતો.
જોકે NCLATના આ આદેશને SBIની આગેવાની અને બાકીના લેણદારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુનાવણી બાદ CJI DY ચંદ્રચૂડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે 16 ઓક્ટોબરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. એને CJI DY ચંદ્રચૂડની આગેવાનીમાં ત્રણ જજોની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. ચીફ CJI 10 નવેમ્બરે નિવૃત્ત થવાના છે. જાલાન-કાલરોક દ્વારા આપવામાં આવેલા 150 કરોડ રૂપિયાની બેન્ક ગેરન્ટી આપી હતી, જેને પણ જપ્ત કરવાનો આદેશ કોર્ટે આપ્યો હતો.
જેટ એરવેઝને SBIએ સૌથી વધુ લોન આપી હતી, તેથી બેંકે NCLT મુંબઈ સમક્ષ કંપની સામે નાદારીની કાર્યવાહી શરૂ કરી હતી. જૂન, 2021માં જાલાન-કાલરોકે NCLTની નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ જેટ એરવેઝની બિડ જીતી હતી. ત્યારથી માલિકી ટ્રાન્સફર અંગે JKC અને લેન્ડર્સ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.
1990ના દાયકાની શરૂઆતમાં ટિકિટિંગ એજન્ટમાંથી ઉદ્યોગસાહસિક બનેલા નરેશ ગોયલે જેટ એરવેઝ ઈન્ડિયા લિમિટેડ શરૂ કરીને લોકોને એર ઈન્ડિયાનો વિકલ્પ આપ્યો હતો. એક સમયે જેટ પાસે કુલ 120 વિમાનો હતાં અને તે અગ્રણી એરલાઇન્સમાંની એક હતી.
જ્યારે ‘ધ જોય ઓફ ફ્લાઈંગ’ ટેગ લાઈન ધરાવતી કંપની તેની પીક પર હતી ત્યારે તે દરરોજ 650 ફ્લાઈટ્સ ઓપરેટ કરતી હતી. જ્યારે કંપની બંધ થઈ ત્યારે તેની પાસે માત્ર 16 વિમાનો જ બચ્યાં હતાં. માર્ચ, 2019 સુધીમાં કંપનીની ખોટ 5535.75 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.