નવી દિલ્હીઃ રાફેલ ફાઈટર જેટના સોદાને યથાવત રાખવા માટે અને સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશના નિર્ણય વિરુદ્ધ દાખલ રિવ્યુ પીટિશન પર સુપ્રીમ કોર્ટ ગુરુવારે નિર્ણય સંભળાવશે. સુપ્રીમ કોર્ટે રાફેલ ફાઈટર જેટ વિમાન સોદાને પૂર્વવત રાખવા માટે 14 ડિસેમ્બર, 2018 ના રોજ નિર્ણય સંભળાવ્યો હતો. ત્યારબાદ આના વિરુદ્ધ રિવ્યૂ પિટીશન દાખલ કરવામાં આવી હતી. તો સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશને મંજૂરી આપનારા પોતાના આદેશ પર પુનર્વિચાર કરવાની માંગ કરી રહેલી અરજીઓ પર ગુરુવારના રોજ નિર્ણય સંભળાવવામાં આવશે.
સુપ્રીમ કોર્ટ રાફેલ મામલે પૂર્વ કેન્દ્રીય મંત્રી-યશવંત સિન્હા અને અરુણ શૌરી તેમજ કાર્યકર્તા-વકીલ પ્રશાંત ભૂષણ સહિત કેટલાક અન્યની અરજીઓ પર નિર્ણય સંભળાવશે જેમાં ગત વર્ષના 14 ડિસેમ્બરના એ નિર્ણય પર પુનર્વિચારની માંગ કરવામાં આવી છે જેમાં ફ્રાંસની કંપની દસોલ્ટથી 36 લડાકૂ વિમાન ખરીદવાના કેન્દ્રના રાફેલ સોદાને ક્લીન ચીટ આપવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ એસ.કે.કૌલ અને ન્યાયમૂર્તિ કે.એમ.જોસેફની પીઠે રાજનૈતિક રુપથી સંવેદનશીલ આ મામલે નિર્ણય સંભળાવશે. 14 ડિસેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટે 58,000 કરોડની આ સમજૂતીમાં કથિત અનિયમિતતાઓ વિરુદ્ધ તપાસની માંગ કરી રહેલી અરજીઓને ફગાવી દીધી હતી.
તો સબરીમાલા મંદિર મામલે સુપ્રીમ કોર્ટ 56 પુનર્વિચાર અરજીઓ, ચાર તાજેતરની રિટ અરજીઓ અને મામલો સ્થાનાંતરિત કરવા સંબંધીત પાંચ અરજીઓ સહિત 56 અરજીઓ પર પોતાનો નિર્ણય સંભળાવશે. આ અરજીઓ તેના નિર્ણય બાદ દાખલ કરવામાં આવી હતી. સબરીમાલા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેરળમાં હિંસક પ્રદર્શનો શરુ થયા હતા. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી પાંચ સભ્યોની સંવિધાન પીઠે 28 સપ્ટેમ્બર 2018 ના તેના નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરનારી અરજીઓ પર સુનાવણી કર્યા બાદ 6 ફેબ્રુઆરીના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.