નીતા અંબાણી અમેરિકાના આર્ટ મ્યુઝિયમના પ્રથમ ભારતીય ટ્રસ્ટી બન્યા

મુંબઈ: રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીનો (57) ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના બોર્ડમાં સમાવેશ થયો છે. તેઓ મ્યુઝિયમના સૌ પ્રથમ ભારતીય માનદ (ઓનરરી) ટ્રસ્ટી બન્યા છે. આ મ્યુઝિયમના 150 વર્ષમાં સૌ પ્રથમ વખત કોઈ ભારતીયની ટ્રસ્ટી તરીકે પસંદગી થઈ છે. મ્યુઝિયમના ચેરમેન ડેનિયલ બ્રોડસ્કીએ આ અંગેની માહિતી આપી હતી. નીતા અંબાણી છેલ્લા કેટલાય વર્ષોથી મેટ્રોપોલિટન મ્યુઝિયમના એક્ઝિબિશન્સને સમર્થન પુરું પાડતા રહ્યા છે. આ અમેરિકાનું સૌથી મોટું આર્ટ મ્યુઝિયમ છે.

નીતા અંબાણીએ 2017માં જણાવ્યું હતું કે મેટ્રોપોલિયન મ્યુઝિયમના સહકારથી ભારતીય કલાને એક પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રદર્શન કરવાની તક મળી છે અને અમે કલાના ક્ષેત્રે કામ ચાલુ રાખવા પ્રોત્સાહિત થયા છીએ. નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના માધ્યમથી ભારતીય કલા અને સંસ્કૃતિનો વિશ્વભરમાં પ્રચાર કરી રહ્યા છે. તેઓ દેશમાં રમત અને વિકાસની યોજનાઓને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે.

મેટ્રોપોલિટન મ્યુઝિયમ 149 વરસ જુનું છે અને અહીં દુનિયાભરની 5000થી વધુ વરસ જુની કલાકૃતિઓ ઉપસ્થિત છે. દર વર્ષે લાખો લોખો આ મ્યુઝિયમની મુલાકાતે આવે છે. કેટલાય અબજોપતિ સેલેબ્રિટીઓ પણ આ મ્યુઝિયમને એક વખત જોવા આવે છે. મ્યુઝિયમના ચેરમેન બ્રોડસ્કીએ મંગળવારે માહિતી આપતા જણાવ્યું કે નીતા અંબાણીની મદદથી મ્યુઝિયમની કલાના અધ્યયન અને પ્રદર્શનની ક્ષમતામાં અનેક ગણો વધારો થયો છે.