સુપ્રીમ કોર્ટે દેશના વડા ચીફ જસ્ટિસના કાર્યાલયને પણ RTIના દાયરામાં મૂકી દીધું

નવી દિલ્હી – સુપ્રીમ કોર્ટે આજે ઠેરવ્યું છે કે દેશના ચીફ જસ્ટિસનું કાર્યાલય ‘પબ્લિક ઓથોરિટી’ છે અને તે રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ (RTI)ના દાયરા હેઠળ આવે છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્ત્વ હેઠળ પાંચ-જજની બેન્ચે 2010માં દિલ્હી હાઈકોર્ટે આપેલા ચુકાદાને માન્ય રાખ્યો છે અને સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ અને સેન્ટ્રલ પબ્લિક ઈન્ફોર્મેશન ઓફિસરે નોંધાવેલી 3 અપીલને નકારી કાઢી છે.

જોકે સુપ્રીમ કોર્ટે એવી ચેતવણી પણ આપી છે કે RTIનો ઉપયોગ જાસૂસી માટે કરી શકાય નહીં. પારદર્શકતાનો મુદ્દો આગળ ધરતી વખતે અદાલતી સ્વાતંત્ર્યને અને એના ગોપનીયતાના અધિકારને પણ ધ્યાનમાં રાખવા જ જોઈએ.

ભારતના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ

પાંચ-જજની બેન્ચ પર સીજેઆઈ રંજન ગોગોઈ ઉપરાંત ન્યાયમૂર્તિઓ એન.વી. રમના, ડી.વાય. ચંદ્રચૂડ, સંજીવ ખન્ના અને દીપક ગુપ્તાનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ દિલ્હી હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં દેશના વડા ન્યાયમૂર્તિના પદને આરટીઆઈ કાયદાની કલમ 2(H) અંતર્ગત ‘પબ્લિક ઓથોરિટી’ ગણાવ્યું હતું.

CJI ગોગોઈએ કહ્યું છે કે પારદર્શિતાના નામે ચીફ જસ્ટિસના પદ રૂપી સંસ્થાને નુકસાન પહોંચવું ન જોઈએ.

ઉલ્લેખનીય છે કે, સુભાષચંદ્ર અગ્રવાલે RTI અંતર્ગત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંપત્તિ વિશે દેશના ચીફ જસ્ટિસ પાસેથી જાણકારી માગી હતી. પણ એમને તે આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. એને પગલે CJI કાર્યાલયને RTI ના દાયરા હેઠળ લાવવાનો મુદ્દે ચગ્યો હતો.