નવી દિલ્હી : INX મની લોન્ડ્રિંગ કેસમાં પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે બહુચર્ચિચ આઇએનએક્સ મીડિયા મની લોન્ડ્રિંગ કેસમાં જામીન આપ્યા છે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. અહીં નોંધનિય છે કે, ચિદમ્બરમને સીબીઆઇ સાથે જોડાયેલા કેસમાં અગાઉ જામીન મળી ચુકી છે.
INX મીડિયા કેસમાં પી.ચિદમ્બરમને મની લોન્ડ્રિંગ કેસ મામલે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. આ કેસમાં ચિદમ્બરમ પર સીબીઆઈ અને ઇડીએ અલગ અલગ બે ફરિયાદ નોંધી હતી. ચિદમ્બરમને 21 ઓગસ્ટે સીબીઆઇએ ધરપકડ કરી હતી. 22 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે સીબીઆઇના કેસમાં ચિદમ્બરમને જામીન આપ્યા હતા. પરંતુ એ પહેલા ઇડીએ 17 ઓક્ટોબરે પોતાના કેસમાં ચિદમ્બરમની ધરપકડ કરી હતી.
આ પહેલા 28 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે ચિદમ્બરની જામીન અરજી પર પોતાનો ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન ઇડીએ પી ચિદમ્બરની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, ચિદમ્બર તરફથી કહેવાયું હતું કે હું રંગા બિલ્લા નથી. તો મને જેલમાં કેમ રાખવામાં આવે છે. એનો જવાબ એ હતો કે આ ગુનાની ગ્રેવિટી સમાજ પર અસર પાડે છે.
કોર્ટે તેમને શરતો સાથે જામીન આપ્યા છે. તેમનો પાસપોર્ટ જપ્ત રહેશે જેથી તેઓ દેશ છોડીને ક્યાંય જઈ ન શકે. સાથે જ કોર્ટે કહ્યું કે જેલથી બહાર નિકળ્યા બાદ તેઓ મીડિયા સાથે વાત નહી કરે. પ્રેસ ઈન્ટરવ્યુ અને મીડિયામાં નિવેદન આપવા પર પણ રોક લગાવવામાં આવી છે. તેમના બે લાખના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે.