નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આંચકો આપ્યો હતો. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. હવે ફડણવીસ પર ચૂંટણી સોગંદનામામાં માહિતી છૂપાવવા બદલ કેસ ચાલશે. આ પહેલાં 18 ફેબ્રુઆરીએ દેવેન્દ્ર ફડણવીસની અરજી સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. ફડણવીસે 2014ના ચૂંટણી સોગંદનામામાં પોતાની સામે લાંબા સમયથી અપરાધી કેસોની માહિતી ના આપવા બદલ કેસનો સામનો કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ફેરવિચારણા કરવાની વિનંતી કરી હતી.જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનુરુદ્ધ બોસની પીઠની સમક્ષ ફડણવીસ તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે ચૂંટણી લડવા માટે અન્ય ઉમેદવારો માટે આ મુદ્દે દૂરગામી પરિણામો હશે અને કોર્ટે એક ઓક્ટોબર, 2019એ પોતાના ચુકાદા પર ફેરવિચાર કરવો પડશે. કોર્ટે પાછલા વર્ષે પોતાના ચુકાદામાં બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો રદ કર્યો હતો. બોમ્બે હાઈકોર્ટે પોતાના ચુકાદામાં ફડણવીસને ક્લીનચિટ આપી હતી અને કહ્યું હતું કે તેઓ જનપ્રતિનિધિત્વ અધિનિયમ (RPA) હેઠળ અપરાધી કેસનો સામનો કરવા હકદાર નથી.