કોરોનાના દરેક વેરિયન્ટથી લડવા બની રહી છે ‘સુપર વેક્સિન’

નવી દિલ્હીઃ કોરોનાનું નવું રૂપ વિશ્વ માટે પડકારરૂપ બનેલું છે, પણ એક સારા સમાચાર એ છે કે વૈજ્ઞાનિક એવી ‘સુપર વેક્સિન’ (રસી) તૈયાર કરવાની નજીક છે, જે કોરોનાને કારણે પેદા થતી ભવિષ્યના બધા રોગચાળાથી બચાવશે. આ રસીનું ઉંદર પર સફળ પરીક્ષણ કરવામાં આવી ચૂક્યું છે.

આ સુપર રસીને અમેરિકાની નોર્થ કેરોલિના યુનિવર્સિટીએ તૈયાર કરી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ એ રસી કોરોના સામે જ નહીં, બધા ખતરનાક વાઇરસથી લડવામાં મદદ કરશે. જે ઉંદરો પર એનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, એ સાર્સ-કોવ અને કોરોનાના બીજા વેરિયન્ટની પીડિત હતા. વૈજ્ઞાનિકોએ આગામી વર્ષે મનુષ્યો પર એના પરીક્ષણની આશા વ્યક્ત કરી છે.

યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોના વાઇરસનું કોઈ પણ નવું રૂપ ભવિષ્યમાં નવા રોગચાળાને જન્મ આપી શકે છે. આ પ્રકારના જોખમને રોકવા માટે તેમણે આ રસી બનાવી છે.

ઉંદરો પર કરવામાં આવેલા પરીક્ષણમાં રસીએ કેટલીક એન્ટિબોડી બનાવી હતી. જે સ્પાઇક પ્રોટિનની સામે પણ કારગર છે. એ રસી સાઉથ આફ્રિકામાં મળેલા B.1.351 પર પણ અસરકારક હતી.

કોરોના વાઇરસની સપાટી પર કાંટો જેવો દેખાતો હિસ્સો હોય છે, એમાંથી વાઇરસ પ્રોટિન નીકળે છે. એને સ્પાઇક પ્રોટિન કહે છે. એ પ્રોટિનથી સંક્રમણ શરૂ થાય છે. એ વ્યક્તિના એન્ઝાઇમ ACE2 રિસેપ્ટરથી જોડાયેલાં ફેફસામાં પહોંચે છે. પછી સંખ્યા વધીને સંક્રમણને વધારે છે.