નવી દિલ્હીઃ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપને લેન્ડ ફોર જોબ કેસમાં કોર્ટે સમન્સ મોકલ્યા છે. એ સિવાય લાલુ પ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ, અખિલેશ્વર સિંહ, હઝારી પ્રસાદ રાય,, સંજય રાય, ધર્મેન્દ્ર સિંહ અને કિરણ દેવીને પણ કોર્ટે સમન્સ મોકલ્યા છે. સાત ઓક્ટોબરે આ કેસની સુનાવણી થવાની છે.
કોર્ટે કહ્યું હતું કે તેજ પ્રતાપ યાદવની સંડોવણીથી ઇનકાર કરી ના શકાય, કેમ કે તેઓ એકે ઇન્ફોસિસ્ટમ લિ.ના ડિરેક્ટર પણ હતા. તેજ પ્રતાપને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. EDએ છઠ્ઠી ઓગસ્ટે 11 આરોપીઓની વિરુદ્ધ પૂરક આરોપ પત્ર દાખલ કર્યું હતું. CBIએ આરોપ લગાવ્યો હતો કે રેલવેમાં ભરતીઓ ભારતીય રેલવેના માપદંડોના દિશા-નિર્દેશોને અનુરૂપ નહોતી. પ્રાપ્ત માહિતી અનુસાર કોર્ટે કહ્યું હતું કે કેસ ચલાવવા માટે પર્યાપ્ત પુરાવા છે. લાલુ યાદવના પરિવારે તેમના પદનો દુરુપયોગ કર્યો હતો.
શું છે કેસ? આરોપ છે કે રેલવેપ્રધાન રહેતા લાલુ યાદવે લેન્ડ ફોર જોબ કૌભાંડમાં સામેલ હતા. આ કૌભાંડ 2004થી 2009ની વચ્ચે કરવામાં આવ્યું હતું. એમાં અનેક લોકોને રેલવેના વિવિધ ઝોનામાં ગ્રુપ-Dનાં પદો પર નોકરીઓ આપવામાં આવી હતી. એના બદલામાં આ લોકોએ તેમની જમીન તત્કાલીન રેલવેપ્રધાન લાલુ યાદવના પરિવારના સભ્યો અને સંબંધિત કંપની એકે ઇન્ફોસિસ્ટમને નામે કરી દીધી હતી.