નવી દિલ્હીઃ આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને તેને લક્ષમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ધમાકેદાર નિર્ણય લીધો છે. રાંધણગેસ સસ્તો કર્યા બાદ હવે સરકાર શહેરોમાં વસતા મધ્યમવર્ગનાં લોકોને મોટી ભેટ દેવાની તૈયારીમાં છે. સરકાર ટૂંક સમયમાં જ શહેરી ગરીબ અને મધ્યમવર્ગનાં લોકો માટે નવી ગૃહનિર્માણ (હાઉસિંગ) યોજનાની ઘોષણા કરે એવી શક્યતા છે.
દેશ આઝાદ થયો તે પછી મોટા પ્રમાણમાં લોકસંખ્યાનું સ્થળાંતર શહેરો તરફ થતું રહ્યું છે. આનાં મુખ્ય કારણો છે – સારું શિક્ષણ અને રોજગારની તક. પરંતુ હવે સમસ્યા એ છે કે શહેરીકરણ ખૂબ વેગથી થઈ રહ્યું છે. આને કારણે શહેરોમાં જગ્યા અને પ્રોપર્ટીના ભાવ પ્રચંડ ગતિએ વધી ગયા છે. હાઉસિંગ માટે વિવિધ પ્રકારની યોજનાઓ છે, પરંતુ લોન લઈને ઘર ખરીદવાનું અને લોન પરત કરવાનું સામાન્ય લોકો માટે પડકારજનક હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મોદી સરકાર લોનના વ્યાજ પર મોટી સબસિડી આપનારી ખાસ યોજના લાવવાની તૈયારીમાં છે. આ યોજના રૂ. 60,000 કરોડની હશે, એવું ફાઈનાન્શિયલ એક્સપ્રેસનો અહેવાલ જણાવે છે.
