દક્ષિણ ભારત, ગુજરાતમાં પૂરું દેખાયું ખંડગ્રાસ સૂર્યગ્રહણ

મુંબઈ – વર્ષ 2019નું આખરી ખંડગ્રાહસ સૂર્યગ્રહણ આજે સવારે 8.04 વાગ્યાથી શરૂ થઈ ગયું હતું. આ સૂર્યગ્રહણ દુર્લભ ગણાય છે, કારણ કે આ પ્રકારનું ગ્રહણ 296 વર્ષ પહેલાં, એટલે કે 1723ની સાલમાં 7 જાન્યુઆરીએ થયું હતું. આજનું સૂર્યગ્રહણ દક્ષિણ ભારતના વિસ્તારોમાં તેમજ ગુજરાતમાં જામનગર સહિત અનેક સ્થળે આકાશમાં પૂરેપૂરું દેખાયું હતું. દેશના અન્ય ભાગોમાં એ આંશિક દેખાયું હતું. મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં આકાશ વાદળીયું રહ્યું હોવાથી સૂર્યગ્રહણ સ્પષ્ટ જોઈ શકાયું નહોતું. અબુ ધાબી જેવા દેશોમાં ‘રિંગ ઓફ ફાયર’ (કંકણાકૃતિ) દ્રશ્ય જોવા મળ્યું હતું.

296 વર્ષ બાદ ફરી વાર ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ 26 ડિસેંબર, 2019ના દિવસે સર્જાઈ છે. સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રમા આવી જાય છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. ચંદ્રમાનો વ્યાસ સૂર્યથી નાનો હોય છે અને સૂર્યનો ઘણોખરો પ્રકાશ ઢંકાઈ જાય છે એને કારણે સૂર્ય અગ્નિની વીંટી જેવો દેખાય છે.

ગુરુવારે ગ્રહણનો સ્પર્શ સવારે 8 વાગ્યાને 04 મિનિટે થયો હતો. 9.24 વાગ્યે ચંદ્રમાએ સૂર્યને ઢાંકવાનું શરૂ કરી દીધું હતું. ગ્રહણનો મધ્ય ભાગ સવારે 9.40 વાગ્યે થયો હતો અને ગ્રહણનો મોક્ષ સવારે 11.14 વાગ્યે થશે. આમ, ગ્રહણનો સમય બે કલાક અને 53 મિનિટનો રહેશે. ગ્રહણનું સૂતક 12 કલાક પૂર્વે એટલે કે બુધવારે રાતે 8.21 વાગ્યાથી લાગી ગયું હતું.

આ વખતનું સૂર્યગ્રહણ ધન રાશીમાં થઈ રહ્યું છે એટલે મૂળ નક્ષત્રનાં જાતકોએ આ ગ્રહણ જોવું ન જોઈએ, એવી શાસ્ત્રોનાં જાણકારોની સલાહ છે.

ગ્રહણ કાળમાં ભગવાન સૂર્યનારાયણ તથા ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો જોઈએ. સૂતકના સમયમાં તેમજ ગ્રહણના સમયમાં ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવાનું નિષેધ ગણાયું છે. એવી જ રીતે, ગ્રહણકાળમાં ખાવા-પીવાનું, સૂવાનું, નખ કાપવાનું, ભોજન બનાવવાનું, તેલ લગાડવાનું વગેરે અમુક કાર્યો કરવાની શાસ્ત્રો અનુસાર મનાઈ છે.

આ ગ્રહણ તુલા, કુંભ અને મીન રાશીનાં જાતકો માટે શુભ ફળ આપનારું બની રહેશે.

આ ગ્રહણ ભારત ઉપરાંત સાઉદી અરેબિયા, કતર, સંયુક્ત આરબ અમિરાત, ઓમાન, શ્રીલંકા, મલેશિયા, ઈન્ડોનેશિયા, સિંગાપોર દેશોમાં પણ જોવા મળ્યું હતું.

ગ્રહણના વિસ્તારની ભૌગોલિકતાને કારણે ભારતમાં, દક્ષિણ ભાગના વિસ્તારોમાં ગ્રહણ વધારે સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું.

જોકે ભારતમાં દરેક વિસ્તારમાં થોડુંક ગ્રહણ તો ચોક્કસ જોવા મળશે. ગ્રહણનો સૌથી મધ્ય ભાગ 3 મિનિટનો રહેશે.

મુંબઈમાં વિમાનમાંથી લેવામાં આવશે સૂર્યગ્રહણની તસવીરો

દેશમાં પહેલી જ વાર, સૂર્યગ્રહણની તસવીરો મુંબઈમાં આકાશમાંથી પાડવામાં આવનાર છે. શહેરની બે સંસ્થા આ કામ કરવાની છે. આ બે સંસ્થા છે – MAB એવિએશન (વિલે પારલે) અને સ્પેસ ગ્રીક્સ.

MAB એવિએશનના અરવિંદ જાધવે ગઈ કાલે જણાવ્યું હતું કહ્યું કે સૂર્યગ્રહણની તસવીરો ખેંચવા માટે બે વિમાનને આકાશમાં મોકલવામાં આવશે. બંને વિમાન સવારે 8.30 વાગ્યે જુહૂ એરોડ્રોમ પરથી ટેક ઓફ્ફ કરશે અને શહેરના ઉત્તરીય ભાગ તરફ આગળ વધશે, ત્યાંથી શિર્ડી તરફ જશે અને સૂર્યગ્રહણની તસવીરો પાડીને 9.45 વાગ્યે જુહૂ એરોડ્રોમ પર પાછા ફરશે.

વિમાનમાં ફોટોગ્રાફરો, વિજ્ઞાનીઓ, અવકાશવીરો અને સેલિબ્રિટી વ્યક્તિઓની એક ટીમ હશે.

સૂર્યગ્રહણ નરી આંખે ન જોવું

આ તસવીર અનુસાર, કાળી પટ્ટીઓ ઘટ્ટ અને ઝાંખા રંગમાં બતાવી છે એ મુજબ ગ્રહણ વધારે-ઓછું દેખાશે. એકદમ કાળી પટ્ટીવાળા વિસ્તારોમાં ગ્રહણ 93 ટકા જેટલું દેખાશે અને ભારતના ઉત્તર તરફ એ ઓછું દેખાશે. મુંબઈમાં 62 ટકા દેખાશે, દિલ્હીમાં 30 ટકા દેખાશે.

એવી કડક ચેતવણી આપવામાં આવી છે કે આવતીકાલે સૂર્યગ્રહણ નરી આંખે જોવું નહીં. માત્ર સુરક્ષિત ચશ્મા કે સાધન વડે તેમજ યોગ્ય ટેકનિક દ્વારા જ એ જોવું. સૂર્યગ્રહણ વખતે સૂર્યનો 99 ટકા ભાગ ચંદ્રથી ઢંકાઈ જશે, તે છતાં આસપાસ જે પ્રકાશ દેખાશે એ આંખોને નુકસાન કરશે. કંકણાકૃતિ દ્રશ્ય પણ નરી આંખોને નુકસાન કરવા માટે પૂરતું હશે એ ખાસ ધ્યાનમાં રાખવું.

સૂર્યનો 99 ટકા ભાગ ચંદ્રથી ઢંકાઈ ગયો હોય ત્યારે પણ આ ગ્રહણ નરી આંખે જોવું નહીં. એનો એટલો પ્રકાશ પણ આંખોને નુકસાન કરી શકશે. વિકિરણથી બચવા માટે સક્ષમ ઓપ્ટિકલ ઘનત્વવાળા સૌર ફિલ્ટર આંખો માટે સુરક્ષિત રહેશે. ‘વેલ્ડર ગ્લાસ સંખ્યા 14 સોલર ફિલ્ટર’ સુરક્ષિત સાધન છે.