સતત સોશ્યલ મિડીયા પર રહેતા હો તો ચેતી જજો…

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા છોડવાની વાત સાંભળતા જ તેમના ચાહકોની ઢગલાબંધ પ્રતિક્રિયાઓ ટ્વિટર પર આવવા લાગી હતી. અને ટ્વિટર પર #nosir  #NoModiNoTwitter હેશટેગ ટ્રેન્ડ થયાં. જો કે, વડાપ્રધાન સોશિયલ મીડિયા નથી છોડવાના એમનો કહેવાનો અર્થ કંઈક બીજો હતો પણ અહીં સવાલ એ છે કે શું તમે જાણો છો કે, સોશિયલ મીડિયાની લત તમારા સ્વાસ્થ્ય માટે કેટલી નુકસાનકારક છે? શું તમે પણ સોશિયલ મીડિયાની આદતના શિકાર છો? જો તમારો જવાબ હા હોય તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે સતત સોશિયલ મીડિયા પર રહેવાની આદત તમને તણાવ ઉપરાંત અનેક સ્વાસ્થ્ય સંબંધિત બિમારીઓનો શિકાર બનાવી શકે છે. અહીં આપણે જાણીએ કે સોશિયલ મીડિયા લોકોને કેવી રીતે પ્રભાવિત કરે છે.

તણાવ- 2016માં ડિપ્રેશન એન્ડ એંગ્ઝાયટી જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જોવા મળ્યું કે, વધુ પ્રમાણમાં સોશિયલ મીડિયાનો ઉપયોગને કારણે લોકો ડિપ્રેશનનો શિકાર થાય છે અને તેમણે તણાવનો પણ સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તે વારંવાર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરતા રહે છે.

ઉંઘની સમસ્યા: એક્ટા પીડિયાટ્રિક જર્નલમાં છપાયેલ અભ્યાસ અનુસાર, 10થી 12 વર્ષની ઉંમરવાળા બાળકોની ઉંઘ સોશિયલ મીડિયાને કારણે સૌથી વધુ પ્રભાવિત થાય છે કારણ કે, તેમના માટે આ વસ્તુઓ નવી હોવાથી તે વધુ સમય સોશિયલ મીડિયા પર વિતાવવા લાગે છે.

2017માં યુનિવર્સિટી ઓફ એક્સેટર(ઈગ્લેન્ડ)ના અભ્યાસમાં જોવા મળ્યું કે, લોકો સોશિયલ મીડિયા પર દુબળા પાતળા લોકોની તસવીરો જોઈને તેમના જેવું દેખાવા માટે પોતાનું ખાવા-પીવાનું છોડી દે છે. એટલું જ એ તસવીરોને જોઈને પોતાની જાતને ખાવાનું છોડવા માટે મજબૂર પણ કરી દે છે.

મનમાં બીજા પ્રત્યે ઈર્ષા ઉદભવે છે: એમાં કોઈ શંકા નથી કે સોશિયલ મીડિયા પર લોકો પોતાની લાઈફને બીજાની લાઈફ સાથે સરખાવીને મનમાં ઈર્ષાની ભાવના પેદા કરે છે. એકબીજાની પોસ્ટ જોઈને પોતાની અંદર ઈર્ષાની ભાવનાને પ્રોત્સાહન આપે છે. આ જ કારણે માનસિક બિમારી જન્મ લે છે અને પછી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ટુંકમાં આ અભ્યાસો પરથી એ સ્પષ્ટ થાય છે કે, સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ તમારા જીવનમાં અનેક અણજોઈતી બિમારીઓ અને મુશ્કેલીઓને નોતરે છે.