નાગરિકતા કાયદા સામે હિંસક વિરોધઃ જામિયા યુનિવર્સિટી કેમ્પસમાં પરિસ્થિતિ અંકુશ હેઠળઃ પોલીસ

નવી દિલ્હી – નાગરિકતા સુધારા કાયદા (CAA)ની વિરુદ્દમાં દક્ષિણ દિલ્હીમાં આવેલી જામિયા મિલીયા ઈસ્લામિયા યુનિવર્સિટીના વિસ્તારમાં આજે બપોરે થયેલી હિંસા કાબૂમાં આવી ગઈ હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસે એમ પણ કહ્યું કે આ હિંસાના સંબંધમાં અમુક વ્યક્તિઓને અટકમાં લેવામાં આવ્યા છે. એ લોકો આગચંપી અને પથ્થરમારામાં સંડોવાયેલા હોવાનું કહેવાય છે.

અગાઉ અહેવાલો હતા કે હિંસાચાર જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કર્યો હતો, પણ વિદ્યાર્થીઓએ રદિયો આપ્યો હતો.

યુનિવર્સિટીના સંચાલકો અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે પોલીસો પરવાનગી વગર કેમ્પસમાં પ્રવેશ્યા હતા.

જોકે પોલીસે કહ્યું કે પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે તેઓ કેમ્પસમાં પ્રવેશ્યા હતા.

દેખાવકારોએ બપોરે ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની વિસ્તારમાં હિંસા કરી હતી. એમણે DTCની 3 બસ સહિત ચાર બસ અને બે પોલીસ વાહનને આગ લગાડી હતી.

દેખાવકારોની હિંસામાં છ પોલીસજવાન ઘાયલ પણ થયા છે.

પોલીસનું કહેવું છે કે યુનિવર્સિટીની અંદરથી પોલીસ ટૂકડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેથી હિંસક ટોળાને વિખેરવા માટે એમને અશ્રુવાયુ છોડવાની ફરજ પડી હતી.