નાગરિકતા કાયદા મામલે ભાજપને આંચકોઃ JDU બિહારમાં NRC લાગુ નહીં કરે

પટના – લોકસભામાં નાગરિકતા સુધારા ખરડા (CAB)ને પાસ કરાવવામાં ભાજપને સાથ આપનાર જનતા દળ (યુનાઈટેડ) પાર્ટીએ તેના દ્વારા શાસિત બિહાર રાજ્યમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC) લાગુ ન કરવાનો નિર્ણય લીધો છે.

બિહારના બે સિનિયર નેતાએ સંકેત આપ્યો છે કે રાજ્યમાં NRCનો અમલ કરવામાં નહીં આવે.

પાર્ટીના ઉપપ્રમુખ અને ચૂંટણી વ્યૂહબાજ પ્રશાંત કિશોરે NRCની સરખામણી નોટબંધી નિયમ સાથે કરી છે અને હોદ્દા પરથી રાજીનામું આપવાની ઓફર પણ કરી હતી, પણ પક્ષપ્રમુખ અને મુખ્ય પ્રધાન નીતિશ કુમારે એ નકારી કાઢી છે.

કિશોરે આજે ટ્વીટ કરીને કહ્યું હતું કે દેશભરમાં NRC લાગુ કરવાનો આઈડિયા નાગરિકત્ત્વની નોટબંધી સમાન છે.

કિશોરે એમ પણ કહ્યું કે નાગરિક સુધારા કાયદા (CAA)ને NRC સાથે જોડવામાં આવે એ નીતિશ કુમારને પસંદ નથી.

અસમ ગણ પરિષદે CAAનો વિરોધ કર્યો, સુપ્રીમ કોર્ટમાં જશે

નાગરિકતા સુધારા કાયદા (CAA) સામેના વિરોધમાં ઈશાન ભારતના રાજ્યોમાં હાલ હિંસક દેખાવો ચાલુ છે અને કેન્દ્ર તથા આસામ રાજ્યની શાસક ભાજપ સરકાર ટેન્શનમાં છે ત્યારે એને એક વધુ આંચકો લાગ્યો છે. આસામ રાજ્યમાં ભાજપની સરકારને ટેકો આપનાર અસમ ગણ પરિષદ પાર્ટીએ વિરોધી સૂર અપનાવ્યો છે. એણે એલાન કર્યું છે કે તે CAAની તરફેણ કરતી નથી.

આ પાર્ટીએ અગાઉ આ કાયદાને સમર્થન આપ્યું હતું, પરંતુ હવે વિરોધ નોંધાવ્યો છે. એટલું જ નહીં, આ કાયદાની વિરુદ્ધમાં તે સુપ્રીમ કોર્ટમાં જવાની છે.

ઉલ્લેખનીય છે કે, આસામની એક અન્ય પાર્ટી ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયને પણ આ કાયદાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં પીટિશન નોંધાવી છે.

દેશમાં પશ્ચિમ બંગાળ, પંજાબ, કેરળ, કર્ણાટક, બિહાર અને મહારાષ્ટ્રમાં આ કાયદો લાગુ થવાનો નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]