મથુરાઃ અલાહાબાદ હાઇકોર્ટે શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મુસ્લિમ વિવાદ મામલે મુસ્લિમ પક્ષની ઓર્ડર રૂલ 11ની વાંધાજનકવાળી અરજીને ફગાવી દીધી છે. હવે આ મામલે જલદી ટ્રાયલ શરૂ થશે. કોર્ટે એ નક્કી કરવાનું હતું કે આ મામલે દાખલ કરવામાં આવેલી 18 અરજીઓ પર એકસાથે સુનાવણી થઈ શકશે કે નહીં. આ ચુકાદો જસ્ટિસ મયંકકુમાર જૈનની સિંગલ બેન્ચે આપ્યો હતો.
શું છે પૂરો મામલો?
મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલામાં હિન્દુ પક્ષ તરફથી 18 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. એમાં તેમણે શાહી ઇદગાહ મસ્જિદની જમીનને હિન્દુઓની જણાવી હતી. હિન્દુ પક્ષ તરફથી અહીં પૂજાનો અધિકાર આપવાની માગ કરવામાં આવી છે. કોર્ટની અલગ-અલગ અરજીની એકસાથે સુનાવણી કરવા માટે ચુકાદો આપવાનો હતો. જોકે મુસ્લિમ પક્ષે હિન્દુ પક્ષની અરજીઓને ફગાવી દેવાની દલીલ રજૂ કરી હતી.
મુસ્લિમ પક્ષે પ્લેસ ઓફ વર્શિપ એક્ટ, વકફ એક્ટ, લિમિટેશન એક્ટ અને સ્પેસિફિક પઝેશન રિલીફ એક્ટને ટાંકીને હિંદુ પક્ષની અરજીઓને બરતરફ કરવાની દલીલ કરી હતી. અગાઉ 6ઠ્ઠી જૂને સુનાવણી પૂરી થયા બાદ હાઈકોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. હિન્દુ પક્ષ તરફથી 18 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. મુસ્લિમ પક્ષે ઓર્ડર 7, નિયમ 11 હેઠળ આ અરજીઓની જાળવણી પર પ્રશ્નો ઊભા કર્યા હતા અને તેમને બરતરફ કરવાની અપીલ કરી હતી. જોકે હાઇકોર્ટ મુસ્લિમ પક્ષની અરજી ફગાવતાં હવે ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે હવે મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં ધા નાખશે.