નવી દિલ્હી- રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શીલા દીક્ષિતનું નિધન થયું છે. શીલા દીક્ષિત 81 વર્ષના હતાં. લાંબા સમયથી બીમાર હતાં.
પેસમેકર યોગ્ય રીતે કામ ન કરતા અને વધુ તબિયત લથડતા શનિવારે સવારે શીલા દીક્ષિતને દિલ્હીની એસ્કોર્ટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યાં હતાં. એસ્કોર્ટ હોસ્પિટલમાં શિલા દીક્ષિતે અંતિમ શ્વાસ લીધા.
એસ્કોર્ટ્સ ફોર્ટિસ હોસ્પિટલના નિદેશક ડો. અશોક શેઠે જણાવ્યું કે, ડોક્ટરોની એક ટીમ શીલા દીક્ષિતની સતત દેખરેખ રાખી રહી હતી. 3.15 વાગ્યે તેમને ફરીથી હાર્ટ અટેક આવ્યો હતો. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં અને 3.55 વાગ્યે તેમનું નિધન થયું હતું.
એક સપ્તાહ પહેલાં જ દિલ્હીના પ્રદેશ પ્રભારી પીસી ચાકોએ શીલા દીક્ષિત સાથે થયેલા વિવાદ બાદ કહ્યું હતું કે, તમારી તબિયત ખરાબ છે અને તમારે આરામની જરૂર છે.
શીલા દીક્ષિતના નિધન પર કોંગ્રેસ પાર્ટીએ પણ ટ્વીટ કરીને તેમને શ્રંદ્ધાજલિ પાઠવી હતી. શીલા દીક્ષિતના નિધનના સમાચાર સાંભળીને અમને ઘણું દુ:ખ થયું. આજીવન કોંગ્રેસને વરેલા અને ત્રણ વખત દિલ્હીના સીએમના તરીકે તેમણે દિલ્હીનો ચહેરો બદલી નાખ્યો હતો. તેમના પરિવાર અને મિત્રો પ્રતિ અમને સહાનુભૂતિ છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ શીલા દિક્ષીતના નિધનને લઈને ટ્વીટ કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ પણ શીલા દીક્ષિતના નિધન અંગે ટ્વીટ કરીને તેમના પરિવાજનો પ્રતિ સહાનુભૂતિ દર્શાવી હતી અને તેમનો અને શીલા દીક્ષિતની મુલાકાતનો ફોટો પણ શેર કર્યો હતો.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરીને શીલા દિક્ષીતના નિધન પર સહાનુભૂતી વ્યક્ત કરી હતી.
શીલા દિક્ષીતના નિધન પર ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમીત ચાવડાએ ટ્વીટ કરીને સહાનુભૂતી વ્યક્ત કરી.
1998થી લઈને 2013 એમ તેઓ 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યપ્રધાન રહ્યાં હતાં. હાલના સમયે તેમની પાસે કોંગ્રેસના દિલ્હી અધ્યક્ષ પદની જવાબદારી પણ હતી. હાલમાં જ પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં તેઓ પૂર્વ દિલ્હીથી ચૂંટણી લડ્યા હતાં. જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
શીલા દીક્ષિતનો જન્મ 31 માર્ચ 1938માં પંજાબના કપૂરથલામાં થયો હતો. 2014માં તેમને કેરળના રાજ્યપાલ પણ બનાવવામાં આવ્યા હતા. જોકે તેમણે 25 ઓગસ્ટ 2014ના રોજ રાજીનામું આપી દીધું હતું. શીલા દીક્ષિત 1984થી 1989 સુધી કન્નોજ લોકસભા સીટના સાંસદ રહ્યાં હતાં. 1986-1989 સુધી તેઓ કેન્દ્રીયપ્રધાન પણ રહી ચૂક્યા છે.
શીલા દીક્ષિત પહેલીવાર 1984માં કન્નૌજ સીટથી ચૂંટણી લડી હતી. અહીં તેમણે સપાના છોટેસિંહ યાદવને હરાવ્યાં હતા. 1984થી 1989 સુધી સાંસદ રહેવા દરમિયાન તેઓ યુનાઈટેડ નેશન્સ કમિશન ઓન સ્ટેટસ ઓફ વીમેનમાં ભારતના પ્રતિનિધિ રહી ચૂક્યાં છે. ત્યારપછી 1998માં તેઓ નવી દિલ્હીના મુખ્યપ્રધાન બન્યાં અને 2013 સુધી આ પદ પર રહ્યાં.